મોરબીમાં અસંગઠિત શ્રમિક સંમેલનમાં લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરાયું

- text


શ્રમિકોના પરિવારની ચિંતા કરી શ્રમિકોના ઉત્થાન માટે રાજય સરકારે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે : રાજયમંત્રી

મોરબી : શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું શ્રમિક સંમેલન મોરબી ટાઉન હોલ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. જેમાં મહાનુભાવોના હસ્તે આકસ્મિક મૃત્યુ સહાય યોજન, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, ઈ-શ્રમ કાર્ડ, ઈ- નિર્માણ, પ્રસુતિ સહાય, સ્વનિધિ સહાય વગેરેનાં લાભાર્થીઓને મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, શ્રમિકોના પરિવારની ચિંતા કરી શ્રમિકોના ઉત્થાન માટે સરકારે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સરકાર રાજયના નાગરિકોની જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીની ચિંતા કરે છે, જે શ્રમિકોને અપાતી વિવિધ યોજનાઓ થકી જોઈ શકાય છે.

તેમણે વધુમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલ ‘‘શ્રમેવ જયતે’’ના સુત્રને સાર્થક કરવા કેન્દ્ર અને રાજયની સરકારે શ્રમિકોના પરિવારમા બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની અનેક યોજનાકીય સહાય રાજય સરકાર આપે છે તેમ જણાવ્યું હતું. શ્રમિકોની સ્ત્રીઓની પ્રસૂતિ, ભોજન, આવાસ, વ્યવસાય, અભ્યાસ વગેરે માટેની કલ્યાણકારી સહાય અમલમાં છે. શ્રમિકોના ઉત્થાન માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે. ત્યારે લાભાર્થીઓને આવી કલ્યાણકારી યોજનાઓએ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે રાજયના પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળી રહે તે માટે રાજય સરકાર કટ્ટીબધ્ધ રહી નાનામાં નાના લોકોની ભિંતા કરી છે. રાજ્ય અને ભારત સરકારની તમામ યોજનાઓનો લાભ શ્રમિકોને લેવા વધુમાં અનુરોધ કર્યો હતું.

મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય અને મોરબી જિલ્લા માટે ફાળવવામાં આવેલ ધનવન્તરી રથને પ્રસ્થાન કરવામાં આવેલ હતું.અસંગઠિત શ્રમિકો દ્વારા મંત્રીનું અભિવાદન પણ કરવામાં આવેલ હતું આ તકે આસીસ્ટન્ટ લેબર કમિશ્નર ડી.જે. મહેતાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ અને આભારવિધિ ર્ડા.દિશાબેન કાનાણીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અગ્રણી સર્વ સુરેશભાઇ દેસાઇ, સુરેશભાઇ સિરોહીયા, ગિરીરાજસિંહ ઝાલા, હરીભાઇ રાતડીયા, ધીરૂભાઇ મકવાણા સહિતનાં મહાનુભાવો અને બહોળી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો ઉપસ્થિત રહયા હતા.

- text

 

- text