માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ એ પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો અનેરો પ્રસંગ

- text


‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ને સાર્થક કરતો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે યોજાતો માધવપુરનો પરંપરાગત લોકમેળો

ભગવાનની વરણાગી, જાનનું આગમન, શાસ્ત્રોક્ત લગ્નવિધિ, કન્યાવિદાય જેવા પ્રસંગોએ ઉમટે છે માનવ મહેરામણ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર નજીક માધવરાય (માધવપુર ઘેડ)નો પરંપરાગત લોકમેળો દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે, જે મેળાનું સ્વરૂપ ધારણ કરે છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામમાં આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીથી ચૈત્ર સુદ તેરસ દરમિયાન સતત પાંચ દિવસ સુધી યોજાય છે. કહેવાય છે કે આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસથી થઈ હશે.

‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ને સાર્થક કરતો અનોખો ઉત્સવ એટલે “માધવપુર ઘેડ”નો મેળો. કારણ કે માધવપુર ઘેડના મેળામાં ઉત્તર-પૂર્વીય આઠ રાજ્યોના લોકો ભાગ લે છે. રૂકમણીજી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે. આ વર્ષે માધવપુર ઘેડ ખાતે ગત તા. 10 એપ્રિલ રામનવમીથી કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતા તા. 14 એપ્રિલ સુધી ચાલનારા પાંચ દિવસીય લોકમેળાનો ભવ્ય શુભારંભ થઈ ગયો છે.

માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનાં લગ્નપ્રસંગની સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રુક્મિણીજીના પ્રેમપત્રને માન આપી તેમનું અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલ. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગની યાદમાં લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો વિધિવત રીતે ઉજવાય છે.

ઉલ્લેખનીય છે કે માધવપુર ઘેડ મેળા એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પ્રથમ પટરાણીના શુભ વિવાહ અંગે નીચેનો દુહો પ્રખ્યાત છે.

માધવપુરનો માંડવો, આવે જાદવ કુળની જાન,
પરણે રાણી રુકમણી જ્યાં, વર દુલ્હા ભગવાન.

માધવપુર ઘેડના મેળાની વિશેષતા

ભગવાન વિષ્ણુનાં અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નની યાદમાં માધવપુર ઘેડમાં પાંચ દિવસ મેળો ચાલે છે. આ મેળાનું આયોજન અને બધી વ્યવસ્થા શ્રી માધવરાયજી મંદીર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. જેમાં આજુબાજુનાં ગામનાં સેવકો તથા મંડળોને અલગ અલગ સમિતીઓ બનાવીને જુદાજુદા વિભાગની જવાબદારીઓ સોપવામાં આવે છે. આ ઉપરાંત, બહેનોને લગતી જવાબદારીઓ ત્યાનાં ધુનમંડળની મહિલાઓને સોપવામાં આવે છે. મેળામાં ફજર ફારકાઓ, વિવિધ પ્રકારની ચકરડીઓ, મેળામાં આવેલા રબારી, ઘેડીયા કોળી, મેર વગેરે જેવી જ્ઞાતિનાં લોકો પોતાનાં પરંપરાગત પોશાકની વેશભુષાથી સજ્જ થઈને અલગ અલગ જાતનાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજે છે. આ લગ્નમાં દેશવિદેશથી દરેક જ્ઞાતિનાં લોકો જોડાય છે. જેથી દરેક પ્રદેશનાં પોશાકો, ભાષા, રિતરીવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે.

શ્રીગોપાલલાલજીની વરણાગી

શ્રી ગોપાલલાલજી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપ. માધવપુરનો લોકમેળો રામનવમીનાં દિવસે શરૂ થઈ જાય છે. તો બીજી બાજુ મંદીરમાં રામનવમીની સાંજે ભગવાનનાં ફુલેકાની તૈયારી શરૂ થઈ જાય છે. જેમાં કિર્તનો અને લોકગીતોની રમઝટો બોલે છે. આ ફુલેકું શ્રીમાધવરાયજીનાં મંદીરેથી નીકળીને પુર્વનાં દરવાજા બહાર ઉતર બાજુનાં પૌરાણિક બ્રહ્મકુંડનાં પુર્વ કાંઠા પર આવેલ પાંચ પાંડવની દેરીઓ પાસે લાવવામાં આવે છે. આ દરમિયાન થોડાથોડા અંતરે રાસમંડળીઓ જમાવટ કરે છે. તે સમયે શ્રી ગોપાલલાલજી મહારાજની મુર્તિનાં દર્શન કરીને લોકો કૃતાર્થ થાય છે. આમ ફરતા ફરતા કિર્તનોની રમઝટ વચ્ચે વરણાગી (પાલખી) અગિયાર વાગ્યાનાં સમયે પરત પોતાનાં નીજ સ્થાને પહોંચે છે. ફુલેકાનો આ ક્રમ ચૈત્ર સુદ નોમ, ચૈત્ર સુદ દસમ અને ચૈત્ર સુદ અગિયારસ આમ ત્રણ દિવસ ચાલે છે.

ભગવાનની જાનનું આગમન અને સામૈયું

ભગવાનનાં ફુલેકાનાં ત્રણ દિવસની ઉજવણી પુર્ણ થયા બાદ ચૈત્ર સુદ બારસનાં દિવસની સવારે પોરબંદરનાં રાજવી પરીવાર દ્વારા મોકલાવામાં આવેલ ધજા લઈને માધવપુરની બાજુમાં આવેલ કડછ ગામનાં લોકો આવે છે. સૌ પ્રથમ મંદીરનાં ભકતજનો તરફથી ધજાનું વાજતે ગાજતે સામૈયું કરવામાં આવે છે. ત્યારબાદ આ ધજા શ્રી માધવરાયજી મંદીર ઉપર શાસ્ત્રોકત વિધી કરીને ચડાવવામાં આવે છે. સાંજનાં ચારેક વાગ્યાનાં સમયે શ્રી માધવરાયજીનાં નવા મંદીરનાં પ્રાંગણમાં મોટો સમીયાણો ગોઠવવામાં આવે છે. ત્યાંથી બે ઘોડાઓવાળા લાકડાનાં શણગારેલા રથમાં ભગવાનનાં બે ફુલેકા નીકળે છે.

- text

આ પ્રસંગ પછી તરત જ ભગવાન શ્રીકૃષ્ણની જાન પરણવા માટે વરઘોડા સ્વરૂપે મંદીરેથી નીકળે છે અને તે જયાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનાં લગ્ન થયા હતાં તે જગ્યા રૂક્ષ્મણીમઠ ખાતે પહોંચે છે. આવા ખુશીનાં લગ્નોત્સવ પ્રંસંગે લોકો ઢોલ, શરણાઈ, નગારા તેમજ અલગ અલગ પ્રકારનાં વાંજીત્રો વગાડીને કિર્તન અને લગ્નગીતો ગાતા જાય છે અને આનંદવિભોર બની જાય છે. દુલ્હેરાજાનાં રથને ગામનાં પાદરથી હિમારીનાં વડ સુધી દોડાવવામાં આવે છે અને ત્યાં વડ પાસે થોડો સમય રોકવામાં આવે છે. ત્યારબાદ વરઘોડાનાં રથની સાથે માનવમેદની મધુવન પહોંચે છે. જયાં વરરાજાની જાનનું ભવ્યાતીભવ્ય રજવાડી ઠાઠથી સ્વાગત (સામૈયું) કરવામાં આવે છે.

દુલ્હેરાજા શ્રીકૃષ્ણને પોંખી લગ્નવિધિનો આરંભ

વરરાજાની જાનનાં સ્વાગત પછી દુલ્હેરાજા ભગવાન શ્રીકૃષ્ણને વિવાહ મંડપમાં લઈ આવવામાં આવે છે. જયાં વરરાજાને પોંખવાની ભવ્ય વિધી કરવામાં આવે છે. આ વિધીનો લાભ લેવા માટે લોકો દ્વારા પૈસાની ઉચી બોલી બોલાય છે, જે પૈસાનો વધારે ચડાવો કરે તેને આ લાભ આપવામાં આવે છે. આ વિધી પુર્ણ થયા બાદ ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરગત શાસ્ત્રોકત વિધીથી લગ્નવિધી શરૂ થાય છે. આ દરમિયાન કન્યા પક્ષ એટલે કે માંડવા પક્ષનાં મહેમાનો અલગ બેસે છે અને વરપક્ષનાં મહેમાનો તેની સામેની બાજુએ પોતાનુ સ્થાન લે છે. લગ્નવિધી દરમિયાન બન્ને પક્ષ તરફથી વારાફરતી ફટાણાઓ (લગ્નગીત) ગવાય છે. જેમ જેમ લગ્નવિધી આગળ ચાલતી જાય છે તેમાં કંસાર પીરસવાની વિધી, મંગલફેરાની વિધીઓ આગળ ચાલે છે. જે રીતે હિન્દુ સમાજમાં લગ્ન માટેની જે વિધીઓ છે તેનો સંપુર્ણ અમલ થાય છે. આવા શુભ પ્રસંગે બધાને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આમ કિર્તનો અને લગ્નગીતોની રમઝટ વચ્ચે લગ્નવિધી પુર્ણ થાય છે.

ભાવસભર કન્યાવિદાય

સામાન્ય રીતે જાન વિદાયનાં સમયે જેવી રીતે બે વેવાઈઓ સામ સામે બાથ ભીડીને કરૂણ પ્રંસંગે એકબીજાને દિલાસો આપે છે, તે જ રીતે માધવપુરનાં પાદરમાં આવા દ્રશ્યો ખડા થાય છે. આમ તે રાત મધુવનમાં પસાર કરે છે અને સવારે જાન પરણીને પરત જાય છે. ભગવાન શ્રીકૃષ્ણની જાન પરણીને પરત નીજ મંદીરે આવે છે. અહીં આવ્યા બાદ ફરીથી જાનનાં આગમન પ્રસંગને અનુરૂપ રજવાડી ઠાઠથી સામૈયા થાય છે. જેમાં પણ ઢોલ શરણાઈ અને સંગીતનાં સૂરો રેલાવીને લોકો આનંદમાં ડુબી જાય છે.

આ પ્રસંગની સમાપ્તીની સાથે જ મેળો પણ પુર્ણ થાય છે. આ દરમિયાન માધવપુર પધારેલા સૌલોકો આ લગ્નોત્સવનો અને મેળાનો આનંદ માણે છે. ખરેખર આવા મેળાઓ મનુષ્યનાં જીવનને આનંદથી ભરી દે છે અને આનંદમય જીવન જીવવાની પ્રેરણા આપે છે.

શ્રીમાધવરાયજીનું પૌરાણિક મંદીર

માધવપુર ઘેડમાં શ્રીમાધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે. આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદીર ની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. મંદીરનું શિખર વર્તુળાકાર છે. પુર્વે ઉત્ખન્ન દરમિયાન મંદિરનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. માધવરાયજીનાં આ મંદીરને 16 થાંભલા છે. 16 થાંભલાયુકત મંડપ “સિંહમંડપ” તરીકે જાણીતો છે. તેમાંના આઠ થાંભલા શિખરને ટેકવે છે. બાકીનાં આઠ સ્તંભ મંડપ તથા પ્રવેશની છતને ટેકવે છે.

માધવરાયજીનું આ જુનુ મંદીર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે. નવું મંદીર લગભગ સતરમી સદીમાં બનાવેલુ છે. જે પોરબંદરનાં રાણા વિકમાતજી અને રૂપાળીબાએ બંધાવી આપેલ છે. આ નવા મંદીરમાં જુના મંદીરની જ પ્રતિમાઓ પધરાવવામાં આવેલ છે. કહેવાય છે કે સૌરાષ્ટ્રનાં વિખ્યાત બહારવટીયા મુળુ માણેક અને જોધા માણેક અહીં આવીને પ્રાચીન મંદીર પર ભગવાન શ્રીકૃષ્ણની ધજા ફરકાવી ગયેલા હતા. આમ, પુરાત્વ અવશેષોની દ્રષ્ટિએ માધવપુર પંથક સમુધ્ધ છે, તો માધવરાયજી મંદીરને કારણે તે જીવંત તીર્થધામ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text