એકદમ હાર્ડ ડિસિઝન લેવાથી જ કાશ્મીરની કાયમી કળતર મટશે! : જયસુખભાઈ પટેલ

- text


ભારતવર્ષ માટે માથાનાં દુ:ખાવા સમી સૌથી મોટી સળગતી સમસ્યા કાશ્મીરના આતંકવાદ વિષે ચર્ચા કરતા જયસુખભાઈ પટેલ

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકમાં કલમ નં. 370 નાબુદ કરવાનું સૂચન આપી જયસુખભાઈ પટેલે પોતે દીર્ઘદ્રષ્ટા હોવાનું પુરવાર કર્યું

‘મોદી કે ઈલાકે કી ગાડી હૈ તબ તો આપકો 1000 રૂપિયા દેના પડેગા!’ : ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલે શેર કર્યો કાશ્મીરનો અનુભવ


આતંકવાદ વૈશ્વિક સળગતો પ્રશ્ન છે. આતંકવાદી હિંસાનો ભોગ અમેરિકા, ભારત અને દુનિયાના અનેક દેશો બન્યાં છે અને બની રહ્યાં છે. આંતકવાદને પોષતું પાકિસ્તાન પણ ખુદ આંતકવાદનું ભોગ બન્યું છે. આપણાં ભારત દેશમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓ અવારનવાર સમાજ જીવનને ડહોળી નાખે છે. ભારતવર્ષમાં ‘કાશ્મીર’ અને ‘આતંકવાદ’ ખુબ જ મહત્વનો અને સળગતો પ્રશ્ન છે. આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે આ પ્રશ્ન હલ કરી શકયા નથી. આ 75 વર્ષમાં અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હજારોની સંખ્યામાં જવાનો શહીદ થયાં છે અને હજારોની સંખ્યામાં નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યાં છે, એ આપણે બધા જાણીએ છીએ.

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ લેખની પ્રસ્તાવના રજૂ કરી આગળ લખે છે કે કાશ્મીરના નાગરિકો હંમેશા ‘આતંકવાદ’થી પોતાની માંગણીઓ દિવસે ને દિવસે વધારતા જાય છે તો પણ આપણી સરકાર તરફથી હંમેશા ‘કૂણું’ વલણ અપનાવામાં આવે છે, છતાં પણ 75 વર્ષમાં કોઈ જ ‘ફર્ક’ પડયો નથી. કયાં સુધી આપણે આ બધું સહન કરવાનું? કયાં સુધી આવા ‘નેગેટિવ’ વિચારધારાવાળાને સગવડો પૂરી પાડવાની? કયાં સુધી ‘નરમ’ વલણ અપનાવવાનું? કયાં સુધી આતંકવાદને અને આતંકવાદી પ્રવૃત્તિને પોષતા રહેવાનું? આજે ‘કાશ્મીર’ના પ્રશ્ન ઉપર હવે એક ‘હાર્ડ ડિસિઝન’ લેવાનો સમય પાકી ગયો છે.

કાશ્મીરની છેલ્લાં પાંચ સાત વર્ષની ઘટનાઓ ઉપર નજર નાખીએ તો લશ્કરી મથકો પર હૂમલો, લશ્કરી વાહનો પર હૂમલો, લશ્કરના જવાનો પર હૂમલો, પથ્થરમારો, પોલીસચોકી ઉપર હૂમલો, આમ પ્રજા ઉપર હૂમલો, બોમ્બ બ્લાસ્ટ, આતંકવાદ, પાકિસ્તાન જીંદાબાદના નારા, પાકિસ્તાન ધ્વજ ફરકાવો, રસ્તા ઉપર સરઘસો કાઢીને ભારત મુર્દાબાદના નારા, અમરનાથ યાત્રા વખતે હૂમલાઓ સામાન્ય બની ગયા છે. આમ લખી મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલ કાશ્મીરી પ્રજાની માનસિકતા અંગે પોતાનો અનુભવ જણાવે છે, જે તેમના જ શબ્દોમાં જોઈએ.

“થોડા વર્ષ અગાઉ ગુજરાત પાસિંગ ધરાવતી મારી કારમાં હું ફેમિલિ સાથે મનાલીથી લેહ અને લેહથી શ્રીનગર વાયા કારગીલ બાય રોડ જતો હતો, ત્યારે કારગીલ પાસે રસ્તા ઉપર નાના ગામના લોકો ગામનો ટોલ ટેકસ ઉધરાવતાં હતા. આ ટેકસ પેટે તેઓ રૂપિયા 100 ઉઘરાવતાં હતા, જયારે મેં કારમાંથી પૂછ્યું કે 100 રૂપિયા શા માટે લેવામાં આવે છે તો તે લોકોએ મારી કારની નંબર પ્લેટ જોઈને મને કહયું કે, ‘મોદી કે ઈલાકે કી ગાડી હૈ તબ તો આપકો 1000 રૂપિયા દેના પડેગા!’ અને મેં જયારે થોડી રકઝક કરી તો બાજુમાં આવેલા ટેન્ટમાંથી હિથયારોવાળા 4થી 5 લોકોએ બહાર ચલાવતાં હોય એવી રીતે મારી પાસેથી 1000 રૂપિયા લેવામાં આવેલાં.”

- text

ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક કિસ્સો યાદ કરાવે છે કે આજના આપણા પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જયારે યુવાનવયે R.S.S.ના ફકત કાર્યકર્તા હતા ત્યારે તેઓ પણ શ્રીનગર કાશ્મીરના લાલચોકમાં ભારતનો ‘રાષ્ટ્ર ધ્વજ’ ફરકાવવા માટે ગયેલાં. આ બનાવને આપણે બધા એક દેશપ્રેમ અને સાહસિક કિસ્સા તરીકે વર્ણવીએ છીએ, એટલે ‘કાશ્મીર’માં છેલ્લાં 75 વર્ષથી કેવી સ્થિતિ છે, તે આજે સરકારમાં છે એ મહાનુભાવો ખુબ જ સારી રીતે સમજે છે. ત્યારે ભારતવર્ષનું સ્વર્ગ લેખાતું ‘કાશ્મીર’ આજે રાષ્ટ્ર માટે જ ખુબ જ મોટી સમસ્યા અને ત્યાંથી થતી આતંકવાદી પ્રવૃત્તિ ‘કેન્સર’ સમી હોવાથી તેના ઈલાજ માટે જયસુખભાઈ પટેલે અનેક પગલાં વિગતવાર સૂચવ્યા છે.

જે પૈકી ત્રણ મહત્વના સૂચનો પર નજર ફેરવીએ તો જયસુખભાઈ પટેલ જણાવે છે કે કાશ્મીરમાં એક એવા બોલ્ડ વ્યકિત (જે નીડર, દેશપ્રેમ, હાર્ડવર્કર, સ્ટ્રોંગ મનોબળ ધરાવતી હોય)ને ફુલ ઓથોરિટીઝ સાથે નિમણુંક કરવી જોઈએ. જે લો એન્ડ ઓર્ડર પ્રમાણે પરિસ્થિતિને કન્ટ્રોલ કરી આતંકવાદીઓ અને તેને સપોર્ટ કરનારાં કાશ્મીરીઓમાં ડર અને ભયનો માહોલ ઉભો કરી શકે અને એનું એનકાઉન્ટર કરી શકે! તેમજ ‘કાશ્મીર’માં જેટલી પણ ‘અલગતાવાદી’ પાર્ટી અને પોલિટિકલ પાર્ટીઓ છે, તેના પર પ્રતિબંધ લાદવા જોઈએ અને ‘અલગતાવાદ’ અને પાકિસ્તાની ભાષામાં અને પાકિસ્તાન તરફી વાત કરતાં નેતાઓને જેલમાં બંધ કરવા જોઈએ. તથા ‘આતંકવાદી’ઓને પકડીને જેલ કે પોલિસ સ્ટેશન મોકલવાની બદલે એન્કાઉન્ટર કરી સીધા જ ‘યમરાજ’નાં દરબારમાં મોકલી દેવા જોઈએ.

આ સાથે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ તથા કચ્છમાં રણસરોવર અભિયાનને વેગવંતુ બનાવનાર જયસુખભાઈ પટેલે પોતાના પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’માં સૌથી પ્રથમ અને અતિ મહત્વનું સૂચન આપ્યું છે કે સુપ્રિમ કોર્ટ / રાષ્ટ્રપતિના વટહૂકમ કે સંસદમાં ખરડો પાસ કરીને કે અન્ય રીતે 35-એ કલમ નાબુદ થવી જોઈએ, સાથોસાથ 370 કલમ વહેલામાં વહેલી તકે ‘નાબુદ’ કરવી જોઈએ. આ 370મી કલમ હવે નાબૂદ થઇ ચુકી છે. ત્યારે જયસુખભાઈ પટેલનું આ સૂચન તેઓ ખરા અર્થમાં દીર્ઘદ્રષ્ટા અને અભ્યાસુ હોવાનું પુરવાર કરે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text