જાણો… સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ-19

- text


આર્ય સમાજ અને થિયોસોફિકલ સોસાયટી,હિન્દીને રાષ્ટ્રીય ભાષાનું રૂપ,દયાનંદ સરસ્વતી વૈરાગીમાંથી ગૃહસ્થ થયાં!

આગળના અંકથી શરુ :ચરિત્ર નાયકના જીવનની ઝરમર ઝાંખી કલાવવામાં જેનો સારો એવો ફાળો છે એ થિયોસોફિકલ સોસાયટીની અને દયાનંદ સરસ્વતીની વાત આજે કરવી છે. સં. ૧૯૩૫ વૈશાખ સુદ ૧૦, ગુરુવાર (૧ મે, ૧૮૭૯ ) ઝંડાધારી સહારનપુર આવ્યા. અહીં થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક કર્નલ એચ.એસ.ઑલ્કોટ અને મેડમ એચ.પી.બ્લેવેલ્સ્કી અમેરિકાથી સ્વામીજીને મળવા આવેલાં.આર્યસમાજ અને થિયોસોફિકલ સોસાયટી બંનેની સ્થાપના યોગાનુયોગ સન ૧૮૭૫માં થઈ હતી.એ સંસ્થાના સ્થાપક કર્નલ ઓલ્કાટ અને મેડમ બ્લેવેટ્સ્કી હતાં. તેના દ્વારા અમેરિકામાં સ્થાપવામાં આવેલ તે સંસ્થાને સફળતા મળી નહિ. જેથી તેઓએ ભારતમાં સ્વામી દયાનંદ અને આર્યસમાજ તરફ દૃષ્ટિ કરી અને તેઓ સ્વામીજી સાથે લંબાણપૂર્વક પત્રવ્યવહાર કરતા રહ્યા.જેમાં આપણા મહર્ષિને તેઓ ગુરુ, માર્ગદર્શક અને નેતા રૂપમાં સ્વીકાર કર્યો.તેઓએ ભારત-મુંબઈ આવીને સ્વામીજીને મળવાની ઉત્સુકતા દર્શાવી.

સર્વપ્રથમ એ યુગલ સ્વામીજીને (૧ મે, ૧૮૭૯)ના સહારનપુરમાં મળ્યું અને ત્યાં બે દિવસ રોકાઈને સ્વામીજી સાથે મેરઠ આવ્યાં.ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત અને આતિથ્ય કરવામાં આવ્યું.સ્વામીજી સાથે તેઓનું પ્રવચન (૫ મે, ૧૮૭૯) રાખવામાં આવ્યું. તેમાં એ લોકોએ સ્વામી દયાનંદ અને વૈદિક ધર્મની પ્રશંસા તથા ઈસાઈમતનું ખંડન કર્યું. તેમજ ભારતના ભિષમપિતા દયાનંદને પોતાના ગુરુ તથા થિયોસોફિકલ સોસાયટીનો આર્યસમાજની શાખા રૂપમાં સ્વીકાર કર્યો. ત્યારબાદ બનારસ (૧૫ ડિસેમ્બર, ૧૮૭૯)માં પણ સ્વામીજી સાથે મુલાકાત થઈ.કર્નલ અને મેડમ સ્વામી દયાનંદ અને આર્યસમાજ સાથે સંબંધ સ્થાપિત કરીને પોતાની સંસ્થા અને વિચારોનો પ્રસાર કરવાની મેલી મુરાદ પ્રથમથી જ ધરાવતાં હતાં. તેઓ ઈશ્વર,વેદ અને ધર્મ વગેરે વિષયોમાં સ્વામીજીથી પ્રતિકૂળ વિચાર ધરાવતા હતા. તેને ગુપ્ત રાખીને માત્ર આર્યસમાજ અને આર્યસમાજીઓનો સહકાર મેળવીને પોતાનો પગદંડો જમાવવા ઇચ્છતાં હતાં. તેમાં થોડા સમય સુધી તેઓને સફળતા પણ મળી, પરંતુ ધીરે ધીરે તેઓએ પોતાનું પોત પ્રકાશ્યું.

કર્નલ અને મેડમના વિષયમાં સ્વામીજીને શિષ્યો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ કે,તેઓ (૧) ઈશ્વરને માનતા નથી,(૨) પોતાને બૌદ્ધ કહે છે.(૩) હિમાલયના કોઈ કલ્પિત મહાત્માઓનું અસ્તિત્વ અને તેમના દ્વારા મળતા ગુપ્ત સંદેશાઓ પર વિશ્વાસ રાખે છે. (૪) સિદ્ધિઓને નામે ચમત્કારોના દાવા કરીને ભૂત–પ્રેતાદિ વિશ્વાસ, મેસ્મેરિઝમ અને હિપ્નોટિઝમ દ્વારા ચમત્કારોની પ્રવૃત્તિઓ કરે છે. (૫) થિયોસોફીમાં ઈસાઈ, મુસલમાન, બૌદ્ધ અને હિન્દુઓ પરસ્પર વિરુદ્ધ સિદ્ધાંતો માનવા છતાં પ્રવેશ કરી શકે છે. કર્નલ અને મેડમ સિમલા જતાં મેરઠ સ્વામીજીને મળતાં ઋષિએ વિવાદાસ્પદ વાતો પર વિચાર અને વાર્તાલાપ કરવા જણાવ્યું. પરંતુ તેઓએ પૂર્ણ સહકાર આપ્યો નહિ અને સિમલા જતાં રહ્યાં. મહર્ષિએ એ જ દિવસે આર્યસમાજની એક સભા બોલાવીને થિયોસાફિકલ સોસાયટી સાથે સંબંધ ન રાખવાની ઘોષણા કરી દીધી અને ત્યારબાદ સ્વામીજીએ ૧૮૮૨માં મુંબઈ પ્રવાસ સમયે વિધિવત્ જાહેરાત કરીને સંબંધ વિચ્છેદ કરી નાખ્યો. આ સબંધ દરમિયાન સોસાયટીનુ અખબાર પ્રકાશિત થતુ હતુ જેમા ઋષિને વિનતિ કરતા જીવન ચરિત્ર આર્ય ભાષામાં લખ્યું હતું જે સંશોધન માટે ભારે ઉપયોગી રહુ હતુ.

મેરઠથી જેઠ સુદ ૨, શુક્રવાર (૨૩ મે) અલીગઢ આવ્યા. અહીં ફરી બીમાર પડી ગયા હતા. ત્યાંથી ૨૮ મે બુધવારના જલેસર પધાર્યા અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. અષાઢ સુદ ૧૫ ગુરુવાર (૩ જુલાઈ) સ્વામીજી મુરાદાબાદ પધાર્યા. અહીં તેઓનાં ત્રણ પ્રવચનો થયાં. અહીંના જોઇન્ટ મેજિસ્ટ્રેટ શ્રી સ્પીડિંગે સાહેબના આગ્રહથી સ્વામીજીએ અનેક પ્રતિષ્ઠિત અને શિક્ષિત વ્યક્તિઓના સમુદાયની વચ્ચે રાજનીતિ પર પ્રવચન આપીને તેની સુંદર છણાવટ કરી. જેથી શ્રી સ્પડિંગ સાહેબ તથા સર્વે ખૂબ જ પ્રભાવિત થયા.

એક દિવસ સભા સમાપ્તિ પછી બાબુ કાલીપ્રસન્ન વકીલે અંગ્રેજીમાં વાતચીત કરતા સ્વામીજીએ તેને આર્યભાષા–હિન્દીમાં વાત કરવા પ્રેરિત કર્યા. સ્વામીજી દેશની એકતાની સાંકળ બની શકે તેવી એક માત્ર આર્ય–હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું રૂપ આપનાર પ્રથમ મહાપુરુષ હતા. તેઓએ પોતાના સર્વ ગ્રંથો હિન્દીમાં લખ્યા હતા. ૨૦ જુલાઈ, ૧૮૭૯ના રાજા જયકૃષ્ણદાસની કોઠી પર આર્યસમાજની સ્થાપના કરવામાં આવી. સ્વામીજી હરદ્વારથી બીમાર પડી ગયા પછી ધીરે ધીરે કષ્ટદાયક સંગ્રહણી રોગથી પીડિત થતા પં. લક્ષ્મીદત્ત વૈદ્યની ચિકિત્સા કરી. ત્યાર બાદ સિવિલ સર્જન ડૉ. ડીનસાહેબ પાસે ચિકિત્સા કરાવતા લાભ થયો. જેથી તેને ફી આપવા આગ્રહ કરતા તેણે સ્વીકાર ન કર્યો. આથી સ્વામીજીએ તેને મુરાદાબાદમાં નિર્મિત થયેલી કેટલીક કલાપૂર્ણ વસ્તુઓ ઉપહાર રૂપમાં આપી હતી.

શ્રાવણ સુદ ૧૪, ઓગસ્ટ – ૧ શુક્રવાર સ્વામીજી બદાયૂં પધાર્યાં. – અત્રે આર્યસમાજની સ્થાપના સ્વામીજીના આગમન પૂર્વે થઈ ગઈ હતી. સભાસદો સમક્ષ સ્વામીજીનાં ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્ર વિષયક, શ્રાવણી ઉપાકર્મ વિષે તથા અન્ય પ્રવચનો થયાં. અહીંના વિદ્વાન પંડિતો વાર્તાલાપ માટે આવ્યા અને સ્વામીજી સાથેની મૂર્તિપૂજા વગેરે વિષય પર ચર્ચા કરી અને તેઓએ સ્વામીજીના કથનનો સ્વીકાર કર્યો. અત્રે એક નવયુવકને ભૂતનો વળગાડ છે તેમ કહીને સ્વામીજી પાસે લાવતા તેઓએ કહ્યું કે, ભૂત કોઈ યોનિ નથી અને માનસિક રોગની ચિકિત્સા કરવા જણાવ્યું. શ્રાવણ વદ ૧૨, ઑગસ્ટ ૧૪ ગુરુવારે સ્વામીજી બરેલી પધાર્યા. ચાંદાપુરમાં સ્વામીજીથી પાદરી શ્રી સ્કૉટ સાથે શાસ્ત્રીય ચર્ચા થઈ હતી. ત્યારથી સ્વામીજીને તેના પર બંધુભાવ હતો. અહીં સ્કૉટ મહાશય સાથે તા. ૨૫-૨૬– ૨૭ ઑગસ્ટના (૧) આવાગમન, (૨) ઈશ્વર દેહ ધારણ કરે છે ? અને (૩) ઈશ્વર પાપ ક્ષમા કરે છે ? એ ત્રણ વિષયો પર વાર્તાલાપ થયો. જનતા પર ખૂબ જ પ્રભાવ પડ્યો. સં. ૧૯૩૫ ભાદરવા વદ ૪, ગુરુવાર (૪ સપ્ટેમ્બર, ૧૮૭૯)ના સ્વામીજી શાહજહાંપુર આવ્યા. ત્યાંની આર્યસમાજ દ્વારા વિજ્ઞાપન દ્વારા પ્રવચનોની જાહેરાત કરવામાં આવી. અહીં સ્વામીજીનાં છ પ્રવચનો થયાં, જેથી સાંપ્રદાયિક લોકોમાં ખળભળાટ મચી ગયો. વેદ તો શંખાસુર લઈ ગયો. પં. લક્ષ્મણ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે આવતા સ્વામીજીએ મૂર્તિપૂજામાં વેદનું પ્રમાણ આપવા કહ્યું. અજ્ઞાની શાસ્ત્રીજી બોલ્યા કે, ‘‘વેદ તો શંખાસુર લઈ ગયો છે, જેથી હું તેનું પ્રમાણ ક્યાંથી આપી શકું ?’ સ્વામીજીએ હાથમાં વેદ રાખીને કહ્યું, ‘‘પંડિતજી ! તમારા આળસ અને પ્રમાદરૂપી શંખાસુરનો વધ કરીને મેં વેદ જર્મનીથી મંગાવ્યા છે. લ્યો, આમાંથી પ્રમાણ આપો.’’ સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. પંડિતજી ભોંઠા પડીને ભાગી ગયા.

- text

શાહજહાંપુરથી પ્રસ્થાન કરીને સ્વામીજી (પ્રથમ) આસો સુદ ૨, ગુરુવાર (૧૮ સપ્ટેમ્બર) લખનૌ રોકાઈને ૨૪ સપ્ટેમ્બરના કાનપુર આવીને આસો સુદ ૧૦, ગુરુવાર (૨૫ સપ્ટેમ્બર)ના રોજ ફરૂખાબાદ પહોંચ્યા. પ્રથમ પ્રવચન ગોરક્ષા પર થયું. બીજું દેશ, કાલ અને યોગ્યતા અનુસાર દાન વિષય પર થયું. અંતિમ પ્રવચનમાં આર્યસમાજના દશ નિયમોની વ્યાખ્યા કરી. ફરૂખાબાદથી પ્રસ્થાન કરીને સ્વામીજી વિભિન્ન નગરોમાં પ્રચારાર્થ ભ્રમણ કરતા રહ્યા. આ સમયમાં સ્વામીજીનું સ્વાસ્થ્ય ઠીક ન હતું. તેમ છતાં પ્રવચનો અને વેદભાષ્ય લેખનકાર્ય કરતા રહીને નિમ્ન નગરોમાં નિવાસ કર્યો. સં. ૧૯૩૫ આસો (દ્વિતીય) સુદ ૧, ગુરુવાર (૧૬ ઑક્ટોબર, ૧૮૭૯) કાનપુર આવ્યા. ૧૭ ઑક્ટોબર શુક્રવારના પ્રયાગ આવીને ૨૩ ઑક્ટોબર ગુરુવારના મિરજાપુર પધાર્યા. સં. ૧૯૩૫ આસો (દ્વિતીય) સુદ ૧૫, ગુરુવાર (૩૦ ઑક્ટોબર, ૧૮૭૯)ના સ્વામીજી દાનાપુર પહોંચ્યા. અહીં સ્વામીજીના વિભિન્ન વિષયો પર પ્રવચનો થયાં. સં. ૧૯૩૬ કારતક સુદ ૭, ગુરુવાર (૨૦ નવેમ્બર, ૧૮૭૯)ના રોજ સ્વામીજી કાશી પધાર્યા. અહીં આવીને વિજ્ઞાપન પ્રસારિત કર્યું. અહીં મુંબઈથી કર્નલ ઑલ્કાટ અને મેડમ બ્લેવેટ્સી મળવા આવ્યા. તેઓનાં સન્માન અને પ્રવચન પણ થયાં.

સ્વામીજીના ગ્રંથોનું પ્રકાશન વિભિન્ન સ્થળે થતું હતું. તેમાં પડતી અનેક મુશ્કેલીઓના નિવારણ માટે મહાસુદ ૬, ગુરુવાર (૨૦ ફેબ્રુઆરી,૧૮)ના રોજ વૈદિક મંત્રાલય ખરીદીને વિધિવત્ સ્થાપના કરી. ત્યારે સ્વામીજી માર્મિક સ્વરમાં બોલી ઊઠ્યા કે, ‘‘આજ હમ પતિત હો ગયે, આજ હમ ગૃહસ્થ હો ગયે.’’ (અગાઉ આપણે વાચયુ હતું કે કોઈ ઉપર નિર્ભર ન રહેવા માટે દયાનંદ સરસ્વતી કિંમતી સિક્કા વસ્ત્રો પુસ્તકો દાન કર્યું હતું જેના સંદર્ભે ઉચારેલ વાક્ય) સર્વ ત્યાગી દયાનંદને લોકહિતકારી વૈદિક ધર્મની સ્થાપના માટે અત્યંત જરૂરી. મેરઠ : સં. ૧૯૩૬ના ભાદરવા સુદ ૧૩, ગુરુવાર (૧૬ સપ્ટેમ્બર, ૧૮૮૦)ના મુજફ્ફરનગર આવ્યા. અહીં પ્રવચનો અને ઉપદેશમાં મૃતકશ્રાદ્ધ ખંડનથી બ્રાહ્મણોએ પથ્થર ફેંક્યા, પરંતુ સ્વામીજી તેને પુષ્પવર્ષા માનીને હસતા રહ્યા. સ્વામીજી સદા સ્થિતપ્રજ્ઞ રહેતા હતા. તેમના પર પથ્થર કે પુષ્ય વર્ષાનો કોઈ પ્રભાવ પડતો નહિ. મુજફ્ફરનગરથી સ્વામીજી બીજી ઓક્ટોબર શનિવારના મેરઠ આર્યસમાજના વાર્ષિક ઉત્સવમાં પધાર્યા અને ત્યાં બે પ્રવચનોમાં થિયોસોફિકલનું મહોરું ખુલ્લું કરીને વાસ્તવિક સ્વરૂપ રજૂ કર્યું. અહીં સ્વામીજીએ સ્વજીવનની કેટલીક ઘટનાઓ બતાવી હતી અને રાષ્ટ્રોત્થાનની યોજના રજૂ કરી હતી. સ્વામીજી ૭ ઓક્ટોબર ગુરુવારે દહેરાદૂન થઈને મેરઠમાં પાંચ દિવસ રોકાઈને ૧૯૩૭ કારતક વદ ૧૦, શનિવાર (૨૭ નવેમ્બર)ના આગ્રા પધાર્યાં. અહીં સ્વામીજીના વિભિન્ન વિષયો પર પચીસ પ્રવચનો થયાં. આગ્રામાં ૨૬ ડિસેમ્બર, ૧૮૮૦ રવિવારના દિવસે આર્યસમાજની સ્થાપના કરવામાં આવી. (ક્રમશઃ)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text