મોરબી જિલ્લામાં 2500 કારખાના અને 11 લાખની વસ્તી વચ્ચે માત્ર ચાર ફાયર ફાયટર

- text


પેપેરમિલમાં આગની ઘટનાએ વધુ એક વખત આગ લાગે તો તંત્રનો પન્નો ટૂંકો પડતો હોવાનું સાબિત કર્યું

મોરબી : ઔદ્યોગિક રીતે વર્ષોથી સમૃદ્ધ રહેલો મોરબી જિલ્લો મહત્વની ફાયર સુવિધાઓમાં હજુ દાયકાઓ પાછળ છે. વર્ષો પહેલા જે ફાયર સુવિધાઓ મળવી જોઈએ જે હજુ મળી નથી તે તંત્ર અને સરકાર માટે શરમજનક છે. જેમાં વાંકાનેર નજીક પેપરમિલમાં લાગેલી ભીષણ આગ બબ્બે દિવસ વીતવા છતાં કાબુમાં ન આવતા જિલ્લાના ફાયર ફાયટરોનો પન્નો ખૂબ જ ટૂંકો પડતો હોવાનું સામે આવ્યું છે. ખરેખર આજે પણ મોરબી જિલ્લામાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ જે ફાયર સુવિધા છે તે પણ અદ્યતનને બદલે ટાંચાના સાધનોથી ચાલે છે.

મોરબી જિલ્લામાં સીરામીક, પેપરમિલ, કલોક, જીનિગ સહિત 2500 ઉધોગો અને આશરે 10 થી 11 લાખની વસ્તી છે. જેની સામે સમ ખાવા પૂરતા ચાર જ ફાયર ફાયટર છે. જેમાં મોરબી નગરપાલિકાના 3 અને હળવદ નગરપાલિકાના એક ફાયર ફાયટરનો સમાવેશ થાય છે. બાકીના વાંકાનેર અને માળીયા અને ટંકારા રામભરોશે છે.જ્યારે વાંકાનેર અને માળીયામાં નગરપાલિકા હોવા છતાં ફાયર સુવિધાના હજુય ફાંફા છે. જો કે વાંકાનેરમાં ફાયર ફાયટર છે પણ તે બંધ હાલતમાં છે. એટલે આગની ઘટનામાં વાંકાનેર ભગવાન ભરોસે જ રહે છે. જ્યારે ટંકારા તાલુકો આ સુવિધાથી જોજનો દૂર રહ્યો છે. હાલ ચાર ફાયર ફાયટર છે. તેમાં પણ એક મોટું અને ત્રણ નાના છે.આ સિવાયની બીજી કોઈ ફાયર સુવિધાઓ આજના ઝડપી યુગમાં ન હોવી તે બાબત ખૂબ શરમજનક અને ગંભીર છે.

મોરબી જિલ્લામાં આશરે 1500 થી વધુ હાઈરાઈઝ બિલ્ડીંગ છે. પરંતુ આ મસમોટી ઇમારતોમાં આગ લાગે તો તેને પહોંચી વળવા માટે ફાયર ફાયટર અસમર્થ છે. કારણ કે આવી મોટી ઇમારતોમાં આગ બુઝાવવા માટે હાઇડ્રો ફાયરની સુવિધાઓ જોઈએ, તે સુવિધાઓ છે જ નહીં. પાંચમા કે સાતમા માળે આગ લાગે તો તંત્ર માત્ર તમાશો નિહાળી શકવા સિવાય કશું જ કરી શકે એમ નથી. એટલે આવડો મોટો વિકસિત જિલ્લો હજુ મહત્વની ફાયર સુવિધાઓ મેળવવા ઝઝૂમી રહ્યો છે.આ બાબતે અનેક રજુઆત થઈ છે. પણ દરેક રજુઆત બેઅસર રહી છે. આથી આગની ઘટનાઓમાં તંત્ર ભગવાન ભરોસે જ રહે છે. જે વાતની પ્રતીતિ કરાવતી ઘટનામાં વાંકાનેર પાસે પેપરમિલમાં ગઈકાલે લાગેલી આગ બીજા દિવસે પણ કાબુમાં આવી નથી. આજે દુનિયા આગણીના ટેરવે આવી ગઈ ત્યારે મહત્વની ફાયર સુવિધાઓ જે દાયકાઓ પહેલા મળી જવી જોઈતી હતી તે હજુ મળી નથી. આથી વકાનેરની ઘટના પછી તંત્ર અને સરકાર શાનમાં સમજી જાય તો સારું, નહિતર આનું પરિણામ બહુ જ માઠું આવશે.

સામાકાંઠે ફાયર સ્ટેશન બનાવવાની વાત હજુ હવામાં !

- text

મોરબીનો સામાકાંઠો ખૂબ જ વકસી રહ્યો છે. ખાસ કરીને હાઇવેને ટચ અનેક સીરામીક કારખાના આવેલા હોય તેમાં સંભવિત આગ લાગે તો સમયસર પહોંચી શકાય તે માટે વર્ષોથી સામાકાંઠે નવું ફાયર સ્ટેશન બનનાવની માંગ ઉઠી હતી. આથી ત્યાં ફાયર સ્ટેશન બનવવા માટે પાંચ મહિના પહેલા ડીમોલેશન પણ કરવામાં આવ્યું હતું. જો કે આમ તો નગરપાલિકાના જનરલ બોર્ડ કે બજેટમાં વર્ષોથી આ વાત ચાલે છે. પણ હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. જો કે જગ્યાની પણ હજુ ફાળવણી થઈ નથી.એટલે વાતોના ગપગોળા હજુ હવામાં જ રહ્યા છે.

નવા સ્ટાફની ભરતી થઈ પણ સાધનો એના એ જ રહ્યા !

મોરબી ફાયર વિભાગમાં નવું સેટઅપ મંજુર કરવામાં આવ્યું હતું અને નવા સ્ટાફની ભરતી થઈ હતી. પણ ફાયરના સાધનો એના એ જ રહ્યા છે. ખુદ ફાયર ઓફિસર કહે છે કે, આજે મોરબીની જે સ્થિતિ છે તેની સામે સાધનો ખૂબ ટૂંકા પડી રહ્યા છે. અદ્યતન ફાયર સ્ટેશન અને સાત જેટલા ફાયર ફાઈટરો જોઈએ તેની સામે ખૂબ જ સાધનો ઓછા છે. હાઈરાઈઝ બિલ્ડીંગ માટે પ્લેટફોર્મ ફાયર હાઇડ્રો ફાયર અને કોટન મિલ માટે મોટા ચાર બાઉઝર અને ત્રણ મીની ફાયટરની જરૂર છે. તેઓએ પાંચ ફાયર ફાયટરની સરકાર પાસે માગણી કરી હતી.પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

કરોડો – અબજો રૂપિયાના પ્રોજેકટ સ્થાપતા ઉદ્યોગકારો આગ બુઝાવવા સ્વનિર્ભર ન થતા આશ્ચર્ય

મોરબી જિલ્લામાં ફાયર સુવિધાઓનો અભાવ છે તેમાં તંત્ર અને સરકારની મોટી લાપરવાહી તો છે જ પણ એની સામે ઉંઘીગકારોની ઉદાસીતા પણ આખે ઉડીને વળગે એવી છે. ખાલી સરકારના ભરોસે બેસી રહેવા કરતા ઉંઘીગકારોએ પણ સાથે મળીને ફાયર સુવિધાઓ માટે બનતું તમામ કરી છૂટવું જોઈએ, કારણ કે, એ સુવિધા આખરે તેમને જ કામ આવવાની છે. આથી કરોડો – અબજો રૂપિયાના પ્રોજેકટ સ્થાપતા ઉદ્યોગકારો આગ બુઝાવવા સ્વનિર્ભર ન થતા આશ્ચર્ય સર્જાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text