આત્મનિર્ભર સિરામીક ઉદ્યોગ ! સિંગાપોરની કંપની ગુજરાત ગેસથી સસ્તો ગેસ આપશે

- text


25 ટનના આઇએસઓ કન્ટેનર દ્વારા સિરામીક ઇન્ડસ્ટ્રીઝને ચી એનર્જી કંપની રૂપિયા 45ના ભાવે ગેસ સપ્લાય કરશે : પ્રથમ બેઠક સફળ

મોરબી : વૈશ્વિક સિરામીક ક્લસ્ટર તરીકે ઉભરી આવેલા વિશ્વના બીજા સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગે હવે ગુજરાત ગેસ કંપનીની મોનોપોલી અને મનમાની તોડવા સિંગાપોરની ચી એનર્જી કંપની સાથે જોડાણ કરવા તખ્તો તૈયાર કરી લીધો છે, ગુજરાત ગેસના વર્તમાન ભાવથી અનેક ગણા નીચા ભાવે એટલે કે માત્ર રૂપિયા 45 ના ભાવે ઓમાનથી આઇએસઓ કન્ટેનર મારફતે ગેસ પૂરો પાડવા કંપની દ્વારા લાંબા ગાળા માટે આયોજન કરાયું છે અને પ્રથમ બેઠકની ફલશ્રુતિ સફળ રહી હોવાનું મોરબી સીરામીક એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2021 બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા પાઈપલાઈન નેચરલ ગેસમાં સત્તત ભાવ વધારો ચાલુ રાખતા હાલમાં ગેસના ભાવ બમણા જેટલા થઇ ગયા છે. ગેસના ભાવ વધવાથી પ્રોડક્શન કોસ્ટ ખુબ જ ઉંચી જતી રહેતા હાલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબીના સીરામીક ઉદ્યોગને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનતા છેલ્લા લાંબા સમયથી સસ્તા વિકલ્પની શોધ ચાલુ હતી જેમાં સિંગાપોરની ચી એનર્જી નામની એલએનજી સપ્લાયર્સ કંપનીએ રસ દાખવતા ગઈકાલે સીરામીક એસોસીએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જે ખુબ જ સફળ રહેવા પામી હોવાનું મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું.

વધુમાં મુકેશભાઈ કુંડારીયાએ ઉમેર્યું હતું કે સિંગાપોરની ચી એનર્જી કંપની સાથેની પ્રથમ બેઠકમાં કંપનીના એકઝ્યુકેટીવ દ્વારા આઇએસઓ કન્ટેનર દ્વારા ડાયરેક્ટ ઓમાનથી 25 તન કેપેસિટીવાળી ટેન્ક કન્ટેનર મારફતે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય કિંમતને ધ્યાને લેતા રૂપિયા 45ના ભાવે ગેસ સપ્લાય કરવા અને એ પણ લાંબાગાળા સુધી ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવના વધઘટ મુજબ ગેસ પૂરો પાડવા ખાતરી આપી છે.

- text

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, હાલમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા પંદર વર્ષમાં ન જોઈ હોય તેવી મંદીનો સામનો કરી રહી છે આ સંજોગોમાં ગેસના ભાવવધારાને કારણે પ્રોડક્શન કોસ્ટ ઉંચી જતા ભારતના કટ્ટર હરીફ એવા ચીન સામે વૈશ્વિક બજારમાં ઉભું રહેવા માટે સસ્તા ઇંધણનો વિકલ્પ શોધવો અત્યંત જરૂરી હતો. જે ગઈકાલની બેઠકમાં મળી જવા પામ્યો છે.

અંતમાં તેમને ઉમેર્યું હતું કે, સિંગાપોરની કંપની સાથે આગામી 15 દિવસમાં ફરી મિટિંગ યોજાનાર છે અને આ મિટિંગ બાદ મોરબીના 50 ટકાથી વધુ સીરામીક એકમો ગુજરાત ગેસથી સસ્તાભાવે એલએનજી ગેસ પૂરો પાડનાર ચી એનર્જી કંપની સાથે જોડાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સિંગાપોરની ચી એનર્જી કંપની સાથે યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ તેમજ અન્ય કમિટી મેમ્બરો પણ જોડાયા હતા અને એકંદરે આ બેઠક અત્યંત સફળ રહયાનું ઉમેર્યું હતું.

- text