માથકથી રાતાભે સુધી બની રહેલા રોડમાં ગેરરીતિ અટકાવો : જાગૃત નાગરિકો

- text


જવાબદાર વ્યક્તિની દેખરેખ હેઠળ કામ કરાવવા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરાઈ : ફોટો અને વિડિઓ સાબિતી આપવા રજુઆતકર્તાઓ તૈયાર

હળવદ : મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત હળવદ તાલુકાના માથકથી રાતાભે સુધી બનતા રોડમાં ગેરરીતિ બાબતે જાગૃત નાગરિકો રોહિતસિંહ પરમાર, કાળુભાઇ ચૌહાણ, નરવીરસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ અને રણજીતસિંહ મકવાણા એ માર્ગ અને મકાન વિભાગ-હળવદના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માથકથી રાતાભે સુધીનો રોડ હાલ બનાવવામાં આવી રહેલ છે, જેમાં ડામર રોડ તથા અમુક જગ્યાએ આર.સી.સી. રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં મુખ્યત્વે આર.સી.સી. રોડની ઉપર જ સહેજ પણ ખોદાણ કર્યા વગર અને સાફ કર્યા વગર ઉપર જ સી.સી. રોડનું લેયર ચઢાવવામાં આવી રહ્યું છે. લોખંડ ક્યાંક ક્યાંક નહિ નાખીને, તથા સી.સી. લેયરના માલમાં અમુક જગ્યાએ 9 થેલી સિમેન્ટ અને અમુક જગ્યાએ 12 થેલી સિમેન્ટ એક ગોળા દીઠ નાખીને ગેરરીતિ કરી રહ્યા છે. આ માલમાં ઓછામાં ઓછા 20% ગોળમટો માટી પણ નાખી દેવામાં આવે છે. આ બધી બાબતોના ફોટો અને વિડિઓ સાબિતી માટે રજૂઆતકર્તા પાસે છે, જે હળવદના એસ.ઓ.ને બતાવેલ છે તથા મૌખિક ફરિયાદ પણ કરેલ છે.

વધુમાં, અહીં કામના સ્થળ પર કોઈ જ જવાબદાર વ્યક્તિ હાજર હોતા નથી, મજૂરો એમની રીતે જેમ ફાવે તેમ કામ કરતા હોય છે. મજૂરોને પૂછે તો ખોટો અને ઉડાઉ જવાબ આપે છે. એક જગ્યાએ સી.સી. માલનો ગોળો નાખેલ હતો, તે જ સમયે રજૂઆતકર્તા ત્યાંથી નીકળતા તેમને શંકા જતા પાવડાથી માલ ફાંફોળતા ત્યાં નીચે લોખંડ નાખેલ જ ન હતું. આ બાબતનો વિડિઓ પણ તેમની પાસે છે.

- text

આ ઉપરાંત, રાતાભે ગામના બસ સ્ટેન્ડથી આગળ ગામની શેરીઓ નીચી અને રોડ ઉપર કરી નાખવામાં આવેલ છે. તેથી, ચોમાસામાં ગામમાં પાણી ભરાઈ જવાની નવી સમસ્યા નિર્માણ થવાની તે ચોક્કસ છે. રોડ પરના નાળા જે આર.સી.સી. પાઇપથી બનાવેલ છે. તેની નીચે સી.સી. બેડિંગમાં પણ ગેરરીતિ કરેલ છે. તો આ રોડનું કામ જવાબદાર વ્યક્તિની દેખરેખ હેઠળ કરાવવામાં આવે અને થઇ રહેલ ગેરરીતિ તુરંત જ રોકવા પગલાં ભરવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી છે.

- text