મોરબીમાં અકસ્માતો અટકાવવા બિસ્માર મુખ્ય માર્ગોનું પેચવર્ક કરો : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

- text


ઔદ્યોગિકનગરી મોરબીમાં તમામ રોડને 40થી 50 ટનની કેપિસિટીવાળા મજબૂત રોડ બનાવવા પેરામીટર ચેન્જ કરવાની પણ જરૂર

મોરબી : મોરબી જિલ્લાના મુખ્ય માર્ગો બિસ્માર હાલતમા છે. જેના લીધે અકસ્માતો થાય છે. તો ખરાબ રસ્તાઓને પેચવર્ક કરવા તથા માર્ગોના નવીનીકરણ કરવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીલાલ પટેલ એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની લેખિત રજૂઆત કરી છે. રજુઆતમાં ઔદ્યોગિકનગરી મોરબીમાં તમામ રોડને 40થી 50 ટનની કેપિસિટીવાળા મજબૂત રોડ બનાવવા પેરામીટર ચેન્જ કરવાની પણ જરૂર હોવાનું જણાવ્યું છે.

મોરબી ઓદ્યોગિક વિસ્તાર છે. મોરબીમાં સીરામીક ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ, પેપર મિલ, સનમાઈકા, પેકેજિંગ ઉદ્યોગ તથા નાના-મોટા અનેક ઉદ્યોગો છે. આ ઉદ્યોગોને કારણે મોટા વાહનો પેસેન્જર વાહનો તથા પ્રાઇવેટ વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં અવરજવર થાય છે. જે રીતે વાહનોની સંખ્યા વધી છે અને અવરજવર વધી છે. તેના પ્રમાણમાં રોડ-રસ્તા ખૂબ જ સાંકળા તથા ખરાબ અવસ્થામા છે. જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં અકસ્માતો થાય છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં અકસ્માતો મોરબી જિલ્લામાં થાય છે. જેને કારણે મોટા પ્રમાણમાં જાનહાની કે શારીરિક ઇજાઓ થાય છે.

- text

ખાસ કરીને મોરબી જેતપર રોડ, મોરબી હળવદ રોડ, કંડલા બાયપાસ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ ખરાબ રસ્તાઓને કારણે ઉદ્યોગકારો, કારીગરો, રો -મટીરીયલ, સપ્લાયર, રાહદારીઓ, ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડે છે. સમયનો બગાડ થાય છે. અકસ્માતને કારણે મહામૂલ્ય માનવ જિંદગી છીનવાઈ જાય છે. બીજું કે મોરબી જિલ્લાને ઔદ્યોગિક ઝોન જાહેર કરી મોરબી જિલ્લામાં આવતા તમામ રોડ હેવી રોડ બનાવી તેને 40થી 50 ટનની કેપિસિટીવાળા મજબૂત રોડ બનાવવા પેરામીટર ચેન્જ કરવાની પણ જરૂર છે. ઉપરોક્ત માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કોરોનાની ગાઈડલાઈન અનુસાર આંદોલન કરવામાં આવશે, તેમ રજૂઆતમાં જણાવાયું છે.

- text