મોબાઈલના જમાનામાં પણ મોરબીમા જીવન નિર્વાહ માટે બહુરૂપી કલાને જીવંત રાખવાનો પ્રયાસ

- text


જાત-જાતના ફિલ્મી ગેટઅપમાં લોકોને હસાવી પેટિયું રળતા બહુરૂપી કહે છે કે, હવે હાઈટેક યુગમાં બહુરૂપી કલાથી રોજીરોટી મેળવવી અઘરી

મોરબી : જાણીતા ફિલ્મ મેકર ઋષિકેશ મુખર્જીની ફિલ્મ આનંદનો ફેમસ ડોયલોગ છે કે, જીવન એક રંગમંચ છે આપણે સૌ કઠપૂતળી છીએ. એની ડોર ઉપરવાળાના હાથમાં છે. એમ જીવનમાં દરરોજ લોકોને નવા નવા ખેલ કરવા પડે છે.પણ મોરબીના એક બહુરૂપી પોતાના પેટનો ખાડો પુરવા વર્ષોથી બહુરૂપી કલાની સાધના કરે છે. તેના માટે આ કલા આજીવિકાનું સાધન હોય એટલે બહુરૂપી કલા તેમના માટે પૂજાથી પણ કમ નથી. વર્ષોથી જાતજાતના ફિલ્મી કે સિરિયલના ગેટઅપમાં લોકોને હસાવીને પેટિયું રડતા આ બહુરૂપીનું જીવન પણ કરુણતાથી ભરપૂર છે.

મૂળ રાજસ્થાનના વતની અને બહુરૂપી કલાથી લોકોને હસાવીને રોજીરોટી મેળવતા આસું આઝાદ મીર ઉર્ફે અશોકભાઈ નામે જાણીતા આ બહુરૂપી 2004 રાજસ્થાનથી ગુજરાતમાં આવ્યા હતા. તેઓનો પરિવાર છેલ્લી 14 પેઢી દર પેઢી બહુરૂપી કલાના વ્યવસાય સાથે જોડાયેલો છે. હવે કદાચ અશોકભાઈ પછી તેમના વારસામાં આ કલાનું જતન નહિ કરી શકે. અશોકભાઈ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થઈને બહુરૂપી કલાથી રોજીરોટી મેળવે છે. તેઓ દરરોજ જુદાજુદા વેશ ધારણ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે અને એના બદલામાં લોકો જે કાંઈ રોકડ આપે તે હસતા મુખે સ્વીકારે છે. તેઓએ ક્યારેય પણ બળજબરીથી લોકો પાસે પૈસા માંગ્યા નથી. લોકો ખુશ થઈને જે કઈ પણ આપે તે લઈ લે છે.

બહુરૂપી અશોકભાઈ કહે છે કે અગાઉ રાજા રજવાડામાં બહુરૂપી કલાની ભારે કદર થતી અને અસાનીથી તેમનું ગુજરાન ચાલતું પણ હવે જમાનો બદલાયો છે. હવે તેમને પેટનો ખાડો પુરવા માટે ગામે ગામ રખડવું-ભટકવું પડે છે.બહુરૂપી કલાનો અસરકારક દેખાવ કર્યા બાદ જ તેમને થોડી ઘણા પૈસા મળે છે. અગાઉ કોઈ ગામડે જતા તો ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા ઉપરાંત કદર પણ જોરદાર થાતી હતી. પહેલા લોકો બહુરૂપીની રાહ જોતા અને કયો વેશ ધારણ કરશે તેની જબરી ઉત્સુકતા હતી. પરંતુ હવે હાઈટેક યુગમાં મનોરંજન મેળવવું સરળ બન્યું હોવાથી તેમની કલામાં લોકોને રસ ઘટ્યો છે.

ગુજરાતમાં હાલ 50 લોકોનો પરિવાર બહુરૂપી કલાના કામણ પાથરે છે

બહુરૂપી અશોકભાઈ સાથેના તેમના 50 લોકોનો પરિવાર જે ગુજરાતભરમાં ફરી ફરીને લોકોનું મનોરંજન કરે છે. અશોકભાઈ પણ મોરબી ઉપરાંત જામનગર, ગોંડલ, રાજકોટ, ગાંધીધામ સહિતના સ્થળે જઈને લોકોને હસાવીને ગુજરાન ચલાવે છે.

ગબ્બર, નારદ મુનિ, જોકર સહિતના પાત્રો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

આસું આઝાદ મીર ઉર્ફે અશોકભાઈ અનેક ફિલ્મો અને સિરિયલોના પાત્રો બખૂથી ભજવી જાણે છે. જેમાં શોલેના ગબ્બર, નારદ મુનિ, આદિવાસી, મેરા નામ જોકરનું પાત્ર, સિરિયક ચંદ્રકાંતા યકુનું પાત્ર, સાઈબાબા સહિતના પાત્રો ભજવીને લોકોને મનોરંજન આપે છે. તેઓએ કહે છે કે જે ગામમાં સાચા બહુરૂપી, સાધુ સંત ન આવે તો એ ગામ દુઃખી હોય છે. આવા સાચા લોકો ગામલોકોને આશીર્વાદ આપીને જતા હોય છે. સાચા સાધુ સંત અને બહુરૂપી સામેથી કઈ નથી માંગતા જે લોકો આપે તે જ સ્વીકારી લે છે. દે તો પણ ભલા ન દે તો પણ ભલા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text