મોરબીમાં કોરોના બીજી લહેરના અનુભવ અને તૃટિઓનું પુનરાવર્તન ન થાય તે જોવા તાકીદ કરતા રાજયમંત્રી

- text


મોરબી જિલ્લામાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરને અનુલક્ષી સમીક્ષા બેઠક યોજાઇ

રાજયમંત્રી મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં પ્રભારી સચિવ મનીષા ચંદ્રા તેમજ કલેક્ટર જે.બી. પટેલની ઉપસ્થિતિ

મોરબી : સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ સંભવીત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં શુક્રવારે રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં પ્રભારી સચિવ મનીષા ચંદ્રા તેમજ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા પણ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરી હતી.આ તકે રાજ્યમંત્રીએ મોરબીમાં બીજી લહેરનું પુનરાવર્તન ન થાય તે જોવા તાકીદ કરી હતી.

બેઠકમાં બ્રિજેશભાઇ મેરજાએ હાલમાં મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધન્વતંરી રથ, સંજીવની રથ, ૧૦૮, દીનદયાળ ક્લીનીક, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, સાંસદ અને ધારાસભ્યની આરોગ્ય ક્ષત્રે ગ્રાન્ટની વપરાશ, એમ્બ્યુલન્સ સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં કોરોનાની બીજી વેવમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. જોકે બીજી લહેરના અનુભવો માંથી સબક લઇને ત્રીજી લહેરમાં કોઇ તૃટીઓ ન રહે તે માટે ખાસ અનુરોધ કર્યો છે. ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે તેની કામગીરીનો વિસ્તાર કરવા અંગે પણ સુચનાઓ આપવામાં આવી છે. ડૉક્ટર અને સ્ટાફની જરૂરિયાત મુજબ નિમણૂક થાય તેમજ આગામી સમયમાં પીડીયાટ્રીશનની જગ્યાઓ ભરાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવશે. ત્રીજી લહેરમાં બાળકોની સુરક્ષા અંગે સરકાર વિશેષ ચિંતિત હોવાનું પણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ઉમેર્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ મોરબી જિલ્લામાં વસતા તમામ શ્રમિકોની વિશેષ ચિંતા કરવા પણ અનુરોધ કર્યો હતો.

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી જિલ્લાના નાગરિકોને કોરોનાથી ત્રીજી લહેરને હળવાથી ન લેવા યોગ્ય તકેદારી લઇ કોરોના સામે સંજીવની સમાન રસી લઇ સુરક્ષીત થવા અનુરોધ કર્યો હતો. બેઠક બાદ મંત્રીશ્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇને અધિકારીઓને સુચનો કર્યા હતા. આ તકે મંત્રી તેમજ પ્રભારી સચીવએ સીવીલ હોસ્પીટલને નવી ફાળવેલ એમ્બુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ ઓક્સીજન ટેન્કનુ પણ લોકાર્પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રભારી સચિવોની નિમણૂક બાદ તરત જ મોરબી પધારેલ મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ પણ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને સુચનો કર્યા હતા. જેમાં લીક્વીડ ઓક્સીજન ટેન્ક, આઇ.સી.યુ. બેડની ઉપલબ્ધતા, રસીકરણની ઝુંબેશને વધુ વેગવાન કરવા, આરટીપીસીઆર લેબની કામગીરી સહિતના મુદ્દાઓ અંગે સ્પષ્ટતા મેળવીને વિવિધ સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, ડીઆરડીએ નિયામક મીતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ અને ઇશીતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, ડીસીએચઓ દુધરેજીયા, આરએમઓ સરડવા, નાયબ કાર્યપાલક ઇજનેર ચૌધરી, જિલ્લા આયોજન અધિકારી બગીયા, ડૉ. વારેવડીયા, ડૉ. કારોલીયા, ડૉ. રંગપરીયા, નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં હાજર રહી ચર્ચા કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text