રૂપિયા 120 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં ચાર આરોપીઓ 10 દિવસના રિમાન્ડ ઉપર સોપાયા

- text


એટીએસ દ્વારા મોરબીની ખાસ અદાલતમાં ચારેય આરોપીઓને રજુ કરી દસ દિવસના રિમાન્ડ મંગાયા હતા

મોરબી : મોરબીના ઝીંઝુડા ગામેથી 593.25 કરોડના હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા બાદ આ ત્રણેય શખ્સોની કબુલાતના આધારે જોડિયા, સલાયા અને રાજસ્થાનના ચાર શખ્સોને ઝડપી લઈ આજે મોરબી સ્પેશિયલ અદાલત સમક્ષ રિમાન્ડ અર્થે રજૂ કરાતા મોરબી અદાલતે આ ત્રણેય આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં પકડાયેલ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો વધુ જથ્થો દેવભૂમી દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત આપતા તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, રહે. નાવદ્રા, તાલુકો. જામકલ્યાણપુર, જીલ્લો. દેવભૂમી દ્વારકાના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપી લીધેલ હતો ઉપરાંત આ ડ્રગ્સ પૈકી 12 કિલોગ્રામ જથ્થો રાજસ્થાન વેચી નાખ્યો હોય એટીએસ ટીમે ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલી મીયા કાદરી, રહે. બંદર રોડ, જામ સલાયા અને  અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ, રહે: મન્નીવાલી, તાલુકા: સાદુલશહર, જીલ્લો: ગંગાનગર,રાજસ્થા નામના શખ્સને શિરોહી, રાજસ્થાન નજીકથી ઝડપી લીધેલ હતા. તેમજ જોડિયાના વોન્ટેડ ઇશા રાવના પુત્ર હુસેનની સંડોવણી ખુલતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
દરમિયાન આજે આ ચારેય આરોપીઓને ડ્રગ્સનો જથ્થો તેમના સુધી કેવી રીતે પહોંચ્યો, ક્યાં – ક્યાં વેચાણ કર્યું અને હજુ પણ કોની કોની સંડોવણી છે તે જાણવા મોરબીની સ્પેશિયલ અદાલત સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા નામદાર સ્પેશિયલ અદાલતે ત્રણેય આરોપીઓને 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળે છે.

- text