જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા.. જેવા પ્રભાતિયાઓના ગાનની પરંપરા જાળવી રાખતું રામજી મંદિર

- text


હડમતીયા પ્રાચીન રામજી મંદિરમાં આબાલવૃદ્ધના આહલાદક આવાજમાં ગવાતા પ્રભાતિયાઓ ગામનું પરોઢ ખીલવે છે

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયામાં પ્રાચિન સંસ્કૃતીની ધરોહરરુપે આજે પણ “જાગને હે જાદવા, કૃષ્ણ ગોવાળિયા” પ્રભાતિયાના મીઠા સુર રેલાઈ રહ્યા છે. પ્રાચીન સંસ્કૃતીની ધરોહર જાળવવા આજે પણ વડીલોની સાથે સાથે યુવાનો અને બાળકો પણ પ્રભાતીયાનું ગાન કરે છે.

વહેલી પરોઢે પ્રભાતિયાંના સ્વરો રેલાઈ રહ્યાં છે. અમુક અવાજ માનવજીવનના માનસપટ પર વિસરાય ગયા છે જેવા કે દરણા દળાતી ઘંટી, છાશ વલોવતા વલોણાં, પંખીઓના મીઠા કલરવ, ગોદરે ગાયના ભાંભરડા, મંદિરના ઘંટડીના આવાજ, પરોઢીએ પનિહારીઓના બેડાના આવાજ દુર્લભ થઈ રહ્યા છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે ટંકારા તાલુકાના હડમતીયામાં દિવાળીના પર્વને લઈને વર્ષોથી આજે પણ હડમતિયા રામજી મંદિરે પ્રભાતીયાના મીઠા સુર સાંભળીને શ્રીહરિનું મન હરી જાય તેવા પ્રભાતીયાનુ ગાન થઈ રહ્યુ છે.

“પ્રભાતિયાં” શબ્દ આવે અને નરસિંહ મહેતા અને મીરાંબાઈ યાદ ના આવે એવું બને ખરું? નરસિંહ મહેતા સવારે ન્હાતી વખતે જે પદ ગાતા એ ‘’રામગ્રીઓ” અને પાછા ફરતા જે ગાતા એ “પ્રભાતિયાં” ઝૂલણા છંદમાં રચાયેલા છે. નરસિંહના પ્રભાતિયાં વર્ષોથી હડમતિયા ગામનું પરોઢ ખીલવે છે. અંતરના ઉંડાણમાંથી ગવાતા પ્રભાતિયા ભક્તિરસયુક્ત હ્રદયને સ્પર્શી જાય છે.

જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, જળ કમલ છાંડી જાને બાળ, મારુ રે પિયરીયું માધવપુરમાં.. જેવા પ્રભાતિયાં આજે સાંભળવા દુર્લભ બન્યા છે. ત્યારે ટંકારાના હડમતિયામાં વર્ષોથી વહેલી પરોઢે નરસિંહ મહેતા, મીરાબાઈ રચીત પ્રભાતીયાનું સુંદર લયથી ગાન કરવામા આવી રહ્યુ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતી આજ ભુલાય રહી છે ત્યારે વહેલી સવારે રામજી મંદિરે જાગોને જશોદાના જાયા વેલણા વાયા, મારુ રે પિયરીયું માધવપુરમા, પઢો રે પોપટરાજા રામના જેવા અનેક પ્રભાતીયા યુવાનો, બાળકો, બુઝુર્ગો દ્વારા આહલાદક આવાજમાં ગવાતા પ્રભાતિયાઓ સાંભળીને મનને શાંતિ આપે છે.

- text

ઉલ્લેખનીય છે કે આજની યુવા પેઢી પ્રાચીન સંસ્કૃતી ભૂલી રહી છે ત્યારે અહીં કુમળી વયના બાળકો મંજીરા, તબલા જેવા સાજ વગાડી ભગવાનની ભક્તિ કરવામા લીન જોવા મળે છે તે એક ગર્વની વાત છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text