મુસ્લિમ અગ્રણી પિતા- પુત્ર હત્યા કેસમાં સગીર સહિત પાંચેય આરોપીઓ ઝડપાયા

- text


જુદી-જુદી પોલીસની ટીમની સતત સઘન તપાસ વચ્ચે આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી 

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો

મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકીય તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી અને તેમના પુત્રની ગત બુધવારે રાત્રે ઘરમાં ઘૂસીને પાંચ શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા નાખવાના ચકચારી કેસમાં જુદી-જુદી પોલીસની ટીમની સતત સઘન તપાસ વચ્ચે આરોપીઓને દબોચી લેવાની સફળતા મળી હતી. જેમાં પોલીસે આ હત્યા કેસમાં એક સગીર સહિત પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં આરોપીઓ ચૂંટણીની વેરઝેરની આગમાં આ ખૂનની હોળી ખેલી હોવાનું ખુલ્યું છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.

ડીવાયએસપી રાધીકા ભરાઇએ આજે પત્રકાર પરિષદમાં આ બનાવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકીય તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી ગત તા.15 સપ્ટેમ્બરની રાત્રે પોતાના પરિવાર સાથે હાજર હતા. ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ તે જ વિસ્તારમાં રહેતા પાંચ શખ્સો છરી, ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે તેમના ઘરમાં ઘુસ્યા હતા અને ફારૂકભાઈ અને તેમના પરિવારજનો કઈ સમજે વિચારે એ પહેલાં પ્રિપ્લાન કરીને આવેલા પાંચેય શખ્સો ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝભાઈ ઉપર છરી, ધારીયા સાથે તૂટી પડ્યા હતા અને પાંચેય શખ્સોએ થોડી જ વારમાં ખૂનની હોળી ખેલીને ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝભાઈને છરી, ધારીયાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાંચેય આરોપીઓ બેવડી હત્યા કરીને બાઈક ઉપર નાસી છૂટ્યા હતા.

બેવડી હત્યાની ઘટના અંગે મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેન મોટલાણીએ દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અગાઉ ચૂંટણીના વેરઝેરમાં ઉપરોકત પાંચેય શખ્સોએ એક સંપ કરી પોતાના પતિ અને પુત્રને છરી, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આથી હત્યારાઓને ઝડપી લેવા બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતની જિલ્લાભરની પોલીસની સાતેક ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી અને પોલીસની સતત તપાસ વચ્ચે આજે પાંચેય આરોપીઓને ઝડપી લેવાની સફળતા મળી હતી.

- text

જેમાં પોલીસે વીસીપરા વિસ્તાર પાસેથી આરોપીઓ ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમહંમદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જુસબ જાકમ ભટ્ટી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી આસિફ સુમરાને બરોડાથી ઝડપી લેવાયો હતો.

આરોપીઓની પૂછપરછમાં તેમનો ગુન્હાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. જેમાં આ તમામ આરોપીઓ લૂંટ, મારામારીના ગુન્હામાં સંડોવાયેલા હોય રીઢા ગુનેગાર હોવાનું પણ ખુલ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ફારૂકભાઈ અગાઉ મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ હતા તે વખતે નગરપાલિકાની કોઈ ચૂંટણી દરમિયાન ફારૂકભાઈને આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી અને આરોપીઓના મનમાં ચૂંટણીના વેરઝેરની આગની જ્વાળા ધખતી હોય તેના ખારમાં જ ફારૂકભાઈ અને તેના પુત્રને રહેંસી નાખ્યા હતા. આ મુદ્દે હજુ આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text