ડોકટરના ઘરમાંથી 13 લાખની રોકડ ચોરાઈ : સગા સાળા સહિત બે ઝડપાયા

- text


મોરબી એલસીબી ટીમે વાંકાનેરની ચોરીની ઘટનાનો ભેદ ગણતરીની કલાકમાં ઉકેલી જૂનાગઢથી આરોપી ઝડપી પાડયા

મોરબી : વાંકાનેરના ડોકટરના ઘરમાંથી રૂપિયા 13 લાખની માતબર રકમની ચોરીની ઘટનામાં એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખી ચોરી કરનાર ડોકટરના સગા સાળા અને તેના મિત્રને જૂનાગઢથી દબોચી લઈ મચ્છુ નદીના પટમાં છુપાવેલ રૂ. 12,85,000ની રોકડ રકમ પણ કબ્જે કરી છે.

વાંકાનેરમાં ચકચાર જગાવનાર ચોરીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની પીર મસાયખ હોસ્પિટલના તબીબ ડો.સાજીદભાઈ હસનભાઈ પાસલિયાના રહેણાક મકાનમાંથી ગત તા.8 ઓગસ્ટના રોજ રૂપિયા 13 લાખની રોકડની ચોરી થતા આજરોજ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ પેચીદી ઘટનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ એલસીબી ટીમને જવાબદારી સોંપતા પીઆઇ વી.બી.જાડેજા સહિતની ટીમે બાતમીદારોને કામે લગાડી ઘટનાસ્થળ આજુબાજુના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી હતી.

દરમિયાન એલસીબી ટીમના એએસઆઈ સંજય પટેલ, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કુગસિયાને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરીની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ ડો.સાજીદભાઈનો સગો સાળો અવેશ ઈકબાલભાઈ કોતલ (રહે.સાબરીન સોસાયટી, જૂનાગઢ) અને તેનો મિત્ર સાકીરભાઈ કાદરભાઈ દુરવેશ (રહે.મેમણવાળા, ચિતાખાના ચોક) હોવાનું માલુમ પડતા તાત્કાલિક જૂનાગઢ દોડી જઇ બન્ને આરોપીઓને અટકાયતમાં લીધા હતા.

ઉલ્લેખનીય છે કે ડો.સાજીદભાઈ પાસલીયાનો સાળો સ્કૂલ વેન ચલાવતો હતો પરંતુ કોરોના લોકડાઉનમાં ધંધો બંધ થઈ જતા સગા બનેવીના ઘરમાં મોટી રોકડ રકમ પડી હોવાનું જાણતો હોવાથી પોતાના મિત્રની મદદ મેળવી ચોરીની ઘટનાને અંજામ આપી રૂપિયા 13 લાખની રોકડ રકમ ચોરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ચોરેલ નાણાં મચ્છુ નદીના પટમાં છુપાવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે નદીના પટમાંથી રૂ.12,85,000ની રોકડ રકમ જપ્ત કરી ગણતરીની કલાકોમાં જ માતબર રકમની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પી.એસ.આઈ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, એએસઆઈ સંજયભાઈ પટેલ, રજનીભાઇ કૈલા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કુગશિયા, નિર્મળસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઈ કાંજીયા, હરેશભાઇ સરવૈયા અને રણવીરસિંહ જાડેજા વગેરે કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text