જાણવા જેવું : ઔષધીય ગુણોના ખજાનાથી ભરપૂર જાંબુ (રાવણાં)ના અનેક ફાયદા 

- text


ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર-ઠેર લારીઓ પર જાંબુ ઉમટી પડે છે. ચોમાસાનું ખાસ ફળ જાંબુ એક એવું ફળ છે જે અનેક ગુણોથી ભરપૂર છે. જાબું ન માત્ર એક ફળ છે પણ તે અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ પણ છે. જાંબુને રાવણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. નાની-મોટી બીમારીઓમાં તે મેડિસીન તરીકે ઉપયોગી બને છે. ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક પારાંપારિક ઔષધિ છે. તેના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે.
જાંબુના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે. જાંબુમાં પ્રાકૃતિક રૂપથી એન્ટી ઓક્સીડેંટ હોય છે જે શરીરના સોજાને ખતમ કરવામાં મદદગાર સાબિત થાય છે. તેમાં વિટામિન C, કેલ્શિયમ,આયર્ન, પોટેશિયમ આવેલા છે. જેથી, રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. તેમાં રહેલા ફાયબર પેટમાં દુખાવો, એસિડિટી, હાર્ટબર્ન અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
જાંબુનું શરબત બનાવીને પીવાથી ડાઇજેશન બરાબર થાય છે અને તેમાં સિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી ડિહાઇડ્રેશનમાં ફાયદો થાય છે. તેના ઠળિયાને વાટીને તેનાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢાંના રોગો દૂર થાય છે. તેનો રસ મોમાં પડી ગયેલા ચાંદા દૂર કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ અને તેના ઠળિયા અનેક રીતે લાભકારી છે. તે બોડીમાં બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે.
બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો બાળકો માટે જાંબુનું સેવન હિતકારી છે. સાથે ત્વચાને કાંતિવાન રાખવા માટે પણ જાંબુનું સેવન કરવું જોઈએ. જાંબુ વાળ માટે વરદાનરૂપ છે. તે વાળને મજબૂત કરે છે અને વાળ લાંબા થવામાં મદદ કરે છે. તેના સેવનથી લોહીની ગુણવતામાં સુધારો લાવી શકાય છે. નશો કરેલા વ્યક્તિને રાવણાંનો રસ પીવડાવવાથી નશો ઝડપથી ઉતરી જાય છે.

- text