ચરાડવા નજીક છકડો રિક્ષા હડફેટે બાળકીનું મોત

- text


અજાણ્યો રીક્ષાચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો : પોલીસે તપાસ હાથ ધરી

હળવદ : આજે સવારનાં હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે મોરબી તરફથી આવતા છકડો રિક્ષાચાલકે પરપ્રાંતીય પરિવારની નવ વર્ષની બાળકીને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ આ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી અજાણ્યા રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના નવ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક આવેલ ભવાની પેટ્રોલ પંપ પાસે પગપાળા જઈ રહેલા મુળ મધ્યપ્રદેશના અને હાલ ચરાડવા ખાતે મજૂરી કરતા રાકેશભાઇની નવ વર્ષની દીકરી રીનાને મોરબી તરફથી આવતા અજાણ્યા રિક્ષાચાલકે અડફેટે લેતા આ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી, તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

- text

આ અકસ્માત સર્જી રીક્ષા ચાલક નાસી છૂટયો હતો. બનાવની જાણ પોલીસને થતાં ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતક બાળકીની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી અજાણ્યા રિક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text