જેસીબી – હિટાચી ભાડે મેળવી કાશ્મીરમાં વેચી દેવાનું કૌભાંડ : મુખ્ય આરોપી ઝડપાયો

- text


હળવદમાંથી 14 જેસીબી અને 2 હિટાચી હડપ 

હળવદ પોલીસે 5 જેસીબી અને 1 હિટાચી સહિત રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો

મોરબી : જેસીબી, હિટાચી જેવા હેવી વાહન ઉંચા ભાડાની લાલચ આપી ભાડે મેળવી લઈ કાશ્મીરમાં વેચી મારવાનું જબરૂ કૌભાંડ હળવદ પોલીસે ઝડપી લઈ એક આરોપીની ધરપકડ કરી આવા છ વાહનો કબ્જે લઈ અન્ય બે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં ત્રણ ભેજાબાજ શખ્સોએ વધુ ભાડું આપવાની લાલચ આપી 14 જેસીબી અને 2 હિટાચી મશીન લઇ ગયા બાદ ત્રણ-ચાર મહિના ભાડું ચૂકવ્યા પછી ફોન પણ બંધ કરી દેતા છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માર્ચ મહિનામાં હળવદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરતા આ ત્રણેય શખ્સો દ્વારા ભાડે લીધેલા અર્થ મુવર મશીન જમ્મુ-કાશ્મીરમાં વેચી દીધા હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા હાલ ૫ જેસીબી અને એક હિટાચી મશીન કબજે લઇ છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને મુંબઈથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા બેચરભાઈ વેલાભાઇ મુંધવા અને તેમના સગા સબંધી પાસેથી ૧૪ જેસીબી અને ૨ હિટાચી મશીન વધુ ભાડુ આપવાની લાલચ આપી ત્રણ શખ્સો સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરી લઈ ગયા હતા. જોકે ત્રણ-ચાર મહિના ભાડુ ચૂકવ્યા બાદ આરોપીઓએ આરોપીઓનો કોઈ જ પત્તો ન મળતા છેતરપિંડી કરી હોવાનું સામે આવતા બેચરભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં ભાડે આપેલા જેસીબી અને હિટાચી મશીન જમ્મુ-કાશ્મીરમાં વેચી દીધા હોવાનું ખુલ્યું હતું. જેથી હળવદ પોલીસ સ્ટાફ જમ્મુ કાશ્મીરથી હાલ પ જેસીબી અને ૧ હિટાચી મશીન ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૧ હિટાચી મશીન ઝડપી લઇ તેને હળવદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હજુ ૯ જેસીબી ઝડપવાના બાકી હોય તેથી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

- text

હળવદ પોલીસ દ્વારા આ છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ શેખ (રહે. શાહપુર, અમદાવાદ) ને મુંબઈથી ઝડપી લેવાયો છે. જ્યારે અન્ય બે આરોપી રવિ રતનસિંહ સોલંકી અને સોયબને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ કામગીરી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઈ. પી.એ. દેકાવાડીયા, પીએસઆઇ પી.જી. પનારા, કિશોરભાઈ પારધી, લલિતભાઈ પરમાર, સુખદેવભાઈ પરમાર સહિતના રોકાયા હતા.

- text