કોલસા ભરેલ ટ્રકની પલટી : બે ઓટો રીક્ષા ટ્રક નીચે દબાતા એકનું મોત

- text


ત્રાજપર ચોકડી નજીકની ઘટના : પોલીસ, 108 સહિતનો કાફલો ઘટના સ્થળે : ત્રણ ઘાયલ

મોરબી : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચોકડીએ વિચિત્ર અકસ્માતમાં કોલસા ભરેલો ટ્રક પલટી જતા ટ્રક નીચે બે ઓટો રીક્ષા દબાઈ જતા એક રીક્ષા ચાલકનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ત્રણેક લોકો ઘાયલ થયાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં વાંકાનેર મોરબી હાઇવેના સર્વિસ રોડનું કામ ચાલતું હોય રોજે રોજ અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આજે ત્રાજપર ચોકડી નજીક બે ઓટો રીક્ષા ચાલક રોડ ક્રોસ કરવાની રાહમાં હતા તે સમયે જ કોલસા ભરેલો ટ્રક અચાનક પલટી જતા રીક્ષા ટ્રક હેઠળ દબાઈ ગઈ હતી. જેમાં રીક્ષા ચાલક સુલતાનશાહ રામજુશા દીવાન (ઉ.વ.41) નામનો યુવાન દટાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે અન્ય એક વાંકાનેરના રીક્ષા ચાલક હિતેશ શાંતિલાલ રાવળ અને મુસાફર ચંદનસિંહ અને નવીનસિંહને આ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને 108નો કાફલો તુરત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘાયલોને સારવારમાં ખસેડયા હતા તેમજ ટ્રક નીચે દબાયેલા મૃતકને બહાર કાઢવા જેસીબી સહિતની સાધન સામગ્રી તાકીદે પહોંચાડી હતી. જો કે અકસ્માતની ગંભીર ઘટના સમયે જ સિવિલના એક્સ-રે મશીન બંધ હોય ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.

- text