આવતીકાલથી ચાર મહિના માટે ઘૂડખર અભ્યારણ્ય ચાર માસ માટે બંધ

- text


રક્ષિત ઘુડખર પ્રાણીના સંવનન કાળને લઈ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે વેકેશન

હળવદ : કચ્છના નાના રણ સિવાય વિશ્વમાં ક્યાંય જોવા ન મળતા ઘૂડખર પ્રાણીના સંવનન કાળને લઈ આવતીકાલે 16 જૂનથી ઘૂડખર અભયારણ્યમાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ઘૂડખર અભયારણ્ય 16 જૂનથી 15 ઓક્ટોબર-2021 સુધી ચાર મહિના તમામ વ્યક્તિઓ કે પ્રવાસીઓ માટે બંધ રહેશે.

માત્ર કચ્છના નાના રણ વિસ્તારમાં હળવદ, માળીયા, ધ્રાંગધ્રા અને પાટડી ધરતી ઉપર જ જોવા મળતા જંગલી ઘૂડખરના રક્ષણ માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 1973માં કચ્છના રણના 4954 ચોરસ કિ.મી.વિસ્તારને ઘૂડખર અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યો છે. પોતાની અસાધારણ ગતિ અને જોમ માટે જાણીતું આ વેગવાન પ્રાણી પ્રતિકૂળ પરિસ્થિતિમ‍ાં ટૂંકા અંતર માટે 70 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ગતિથી દોડી શકે છે. વધુમાં ઉષ્ણતામાનમાં થતા 1 ડીગ્રી સેલ્સીયસથી માંડીને 50 ડીગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લે કરાયેલ ગણતરી મુજબ કચ્છના નાના રણ વિસ્તારમાં 6082 ઘુડખર નોંધાયેલ છે.

- text

ચોમાસાની સીઝન શરૂ થતા દુર્લભ ઘૂડખર માટે બ્રીડીંગનો સમયગાળો શરૂ થાય છે.આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા ક‍ામદારો સહિત તમામ વ્યક્તિઓ અને પ્રવાસીઓ માટે ઘૂડખર અભયારણ્યમ‍ાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આથી તા. 16/06/2021થી તા. 15/10/2021 સુધી ચાર મહિના સુધી ઘૂડખર અભયારણ્યમ‍ાં કોઇને પણ પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે નહીં છતાં કોઇ વ્યક્તિ કે પ્રવાસી આ રક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરશે વન્ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે.

- text