આજે વર્લ્ડ ઓશન ડે : વિશ્વમાં એક માત્ર હિંદ મહાસાગર એવો છે કે જેનું નામ કોઇ દેશના નામ સાથે જોડાયેલું હોય

- text


સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અધિકૃત રીતે દર વર્ષની તા. 8 જૂનને ‘વર્લ્ડ ઓશન ડે’ તરીકે મનાવવાનું જાહેર કરાયેલ છે. જેની શરૂઆત વર્ષ 2009ના વર્ષથી કરાયેલ છે. આ અંગેની રજૂઆત 8મી જૂન, 1992નાં રોજ ‘રિઓ દ્ જાનેરો’ બ્રાઝીલમાં મળેલ પૃથ્વી સંમેલન (Earth Summit)માં, કેનેડા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આજ સુધી દર વર્ષે આ દિવસને અનધિકૃત રીતે વિશ્વ મહાસાગરો દિવસ રૂપે મનાવવામાં આવતો હતો.

‘વિશ્વ મહાસાગર દિવસ’એ વિશ્વનાં મહાસાગરોના જતન કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. મહાસાગરો દ્વારા પ્રાપ્ત વસ્તુઓ જેમ કે સમુદ્રી ભોજન, સમુદ્રી યાતાયાત સુવિધાઓ અને અન્ય કેટલીયે કિંમતી સમુદ્રી જણસોની જાળવણી અંગે જાગૃતિ લાવવા તેમજ વૈશ્વિક પ્રદુષણ અને માછલીઓના વધુ પ્રમાણમાં સંહારને કારણે લુપ્ત થવાના આરે પહોંચેલી કેટલીય સમુદ્રી પ્રજાતિઓને બચાવવાના પ્રયત્નો આ દિવસે કરવામાં આવે છે. જેથી, મહાસાગરોનાં બચાવ દ્વારા માનવ જાતિનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય.

- text

હિંદ મહાસાગર

હિંદ મહાસાગર વિશ્વમાં ત્રીજા નંબરે આવતો સૌથી મોટો સમુદ્ર છે. અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ 20% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે. તે ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દચીન, સુંદા દ્વીપસમૂહ, ઓસ્ટ્રેલિયા સાથે અને દક્ષિણમાં દક્ષિણધ્રુવીય મહાસાગરથી ઘેરાયેલો છે. વિશ્વમાં એક માત્ર હિંદ મહાસાગર એવો મહાસાગર છે કે જેનું નામ કોઇ દેશના (હિન્દુસ્તાન) નામ સાથે જોડાયેલું છે. પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે.

- text