ટંકારા તાલુકાના યુવાનોમાં કોરોના વેક્સિનેશન માટે ભારે ઉત્સાહ

- text


નેટવર્કના ધંધિયાથી છેવાડાના વિસ્તારના રહીશો ઓનલાઇન રજીસ્ટ્રેશનની સમસ્યાથી પરેશાન

ટંકારા : ટંકારા તાલુકામાં નેસડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 18 પ્લસ વયના લોકો માટે વેક્સિન આપવાનુ શરૂ થતા જ વેક્સિન માટે રાહ જોઈ રહેલા યુવાનો, યુવતીઓ ભારે ઉત્સાહમાં આવી ગયા છે. અને રજિસ્ટ્રેશન ખુલતાની સાથે જ ફટાફટ રજિસ્ટ્રેશન કરાવી રસી મુકાવવા લાઈનો લગાવી રહ્યા છે. જો કે નેટવર્ક પ્રોબ્લેમવાળા ગામ્ય વિસ્તારમાં અને એન્ડ્રોઇડ ફોન વગરના યુવક-યુવતીઓ ઓનલાઈન રસી પ્રકિયાથી નારાજ જોવા મળી રહ્યા છે.

મોરબી જિલ્લાના યુવાધન કે જેઓ 18થી 44ની વયના છે, તેઓમાં કોવિડ-19 સામે રક્ષણ આપતી રસી મુકાવવા ચોથા દિવસે પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઈકાલે મંગળવાર માટે ખુલ્લા મુકેલ સ્લોટમાં ફટાફટ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયા હતા. જો કે ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે 45થી વધુ ઉંમરના વ્યક્તિઓ વેક્સિન લેવા બાબતે સાવ નિરસ હોય, કોઈ ફરકતુ ન હોવાથી કામગીરી સદંતર બંધ જેવી જોવા મળે છે.

આ અંગે ડોક્ટરો જણાવે છે કે, અહીં દસ વ્યક્તિઓ પણ રસી મુકવા આવતા ન હોવાથી વેક્સિનનો બગાડ અટકાવવા એકલ-દોકલ આવનારને નજીકના ગામડાના સેન્ટરમા મોકલીએ છીએ. ત્યારે અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ 18+ને રસીકરણ શરુ કરવાની પ્રબળ માંગ ઉઠી છે.

- text

આ ઉપરાંત, ઓનલાઈન રજિસ્ટ્રેશનની લપને કારણે ઇન્ટરનેટ વિહોણા ગામડા અને એન્ડ્રોઇડ ફોન વગરના યુવક-યુવતીઓ ભારે મુંજવણ અનુભવે છે. વિશેષમાં, કામકાજ અને ફેક્ટરીઓમાં કે મજુરી કરતા પણ સમય અને છુટીના અભાવે રસી નહી લઈ શકતાનુ સામે આવ્યુ છે. ત્યારે તંત્ર આ અંગે ધ્યાન કેન્દ્રિત કરે તે પણ એટલું જ જરૂરી છે.

- text