શનાળા-રાજપર રોડ ઉપર ડામરના કચરાના ઢગલાથી અકસ્માતનું જોખમ

- text


નવા રોડ ઉપર મોરમને બદલે નાખેલા ડામરના વેસ્ટજ ઢગલાથી અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકો

મોરબી : મોરબીના શનાળા ચોકડીથી રાજપર ગામ તરફ જવાના માર્ગને હમણાં જ નવો બનાવવામાં આવ્યો છે. હજુ આ નવા રસ્તાનો લોકો લાભ લે તે પહેલાં જ તંત્રની લાપરવાહીથી મુસીબત આવી પડી છે. લાલચુ કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી રોડની સાઈડમાં મોરમ નાખવાને બદલે ડામર વેસ્ટના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે અને આ વેસ્ટજ માલ પણ રોડ સાઈડમાં પાથરવામાં ન આવતા અકસ્માત રોજિંદા બન્યા છે.

શનાળા ચોકડીથી રાજપર ગામ તરફ જવાના માર્ગને નવો બનાવ્યા બાદ નિયમ મુજબ રોડની બન્ને સાઈડમાં મોરમ ભરવાને બદલે લાલચુ અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરવા કોન્ટ્રાકટરને વેસ્ટજ મટીરીયલ નાખવા જોગવાઈ કરી દેતા રોડની એકબાજુની સાઈડમાં ડામરના મસમોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ ડામરના ઢગલા એક મહિનાથી જેમની તેમ જ હાલતમાં રોડ ઉપર પડેલા છે.

- text

રોડ ઉપર પડેલા મસમોટા ડામરના ઢગલાને કારણે વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જ્યારે જ્યારે હેવી વાહન પસાર થાય ત્યારે તેને ઓવરટેક કરવામાં જીવનું જોખમ રહે છે અને સામસામે વાહનો આવી જાય તો એક વાહન ઢગલા ઉપર ચડી જાય છે. આ અમુક જગ્યાએ ઢગલા કર્યા એવું નથી. પણ શનાળાથી રાજપર સુધીના પોણા માર્ગ ઉપર ડામરના ઢગલા કરી દેવાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે અને રોજે રોજ નાના વાહનો અને ખાસ કરીને મોટરસાયકલ ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. છતાં જાડી ચામડીનું તંત્ર કોઈ જ પગલાં ભરતું નથી.

- text