હવે ફાસ્ટ ટેગમાં પણ ઠગાઈ : કાર ઘરે પાર્ક કરી હોવા છતાં ટોલટેક્સ કપાયો!!

- text


સુરજબારી ટોલ પ્લાઝામાંથી મોરબીના આસામીની કારનો ટોલટેક્સ કપાતા આશ્ચર્ય

મોરબી : હવે ફાસ્ટ ટેગમાં પણ ઠગાઈ શરૂ થઈ છે. મોરબીના એક રહેવાસીની ગાડી ઘરે પડી હોવા છતાં સૂરજબારી ટોલ પ્લાઝામાંથી ટેક્સ કપાતા તંત્રની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સરકાર દ્વારા કાર સહીતના હળવા અને ભારે વાહનો માટે ટોલ પ્લાઝાથી પસાર થવા માટે ફાસ્ટ ટેગ ફરજીયાત કરવામાં આવ્યું છે. ફાસ્ટ ટૅગ સિસ્ટમથી ટોલ પ્લાઝામાં ટોલની ઓનલાઈન ચુકવણી સુવિધા ઉપલબ્ધ બની છે. પરંતુ આધુનિક સિસ્ટમમાં પણ માનવીય ભૂલના કારણે વાહન ટોલ પ્લાઝામાંથી પસાર ન થયું હોય તો પણ ટેક્સ કપાય જવાના બનાવો સામે આવ્યા છે.

મોરબીના ચંદ્રકાંતભાઈ દેત્રોજાના જણાવ્યા મુજબ ગત તા. 2ના રોજ સવારના સમયે તેમના સંબંધી ભાવિકભાઈ ભૂતની કાર નંબર GJ-36-L-5177 ધૂનડા રોડ પર તેમના ઘરે પાર્ક કરેલી હતી. તેમજ તેઓ છેલ્લા 2 મહિનાથી મોરબીની બહાર ગયા નથી. તો પણ તેમને ફાસ્ટટેગ સિસ્ટમ મુજબ તેમના HDFC બેંક ખાતામાંથી રૂ. 80 સૂરજબારી ટોલ પ્લાઝાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

- text

આ અંગે ટોલ પ્લાઝાના ટોલ ફ્રી નંબર પર ચંદ્રકાંતભાઈએ જાણ કરતા ટેક્સ પરત ખાતામાં જમા કરવા માટે તેમની પાસેથી ટ્રેકિંગ નંબર માંગવામાં આવ્યા હતા. જે માટે આગળની પ્રક્રિયા કરવા બેંકમાં તપાસ કરવી પડે પછી ફરિયાદ નોંધાવી શકાય. ત્યારબાદ તેમણે ગ્રાહક સુરક્ષા મંડળમાં મેઈલ કરીને જાણ કરી હતી. પરંતુ હજુ સુધી પ્રત્યુત્તર મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે ટોલ પ્લાઝાની બેદરકારીના કારણે અથવા ટેકનિકલ ક્ષતીના લીધે આ છબરડો થયો હોવાની શક્યતા છે. પરંતુ તેનો ભોગ વાહનચાલકોએ બનવું પડે છે.

- text