ટંકારાની લતીપર ચોકડીએ ભૂગર્ભની કુંડીમાં કપાસ ભરેલો ટ્રક ખાબક્યો

- text


સદભાગ્યે જાનહાની ટળી પણ ટ્રક ખાબકતા મોટું નુકસાન થયું : રાજકોટ મોરબી હાઇવેના ઢંગધડા વગરના કામથી વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ

ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાની લતીપર ચોકડીએ આવેલ ભૂગર્ભ કુંડીમાં ગતરાત્રે એક કપાસ ભરેલો ટ્રક ખાબક્યો હતો. સદભાગ્યે જાનહાની ટળી હતી. પણ ટ્રંક ભૂગર્ભ કુંડીમાં ખાબકતા મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. રાજકોટ-મોરબી વચ્ચેના હાઇવેના કામમાં કોન્ટ્રાક્ટરની અક્ષમ્ય બેદરકારીને કારણે વધુ એક અકસ્માતની ઘટના બનતા વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

રાજકોટ-મોરબી હાઇવેને ફોરલેન બનાવવાની છેલ્લા ચાર વર્ષથી કામગીરી ચાલી રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટરો અને સંબધિત તંત્રની ઘોર બેદરકારીને કારણે આ કામમાં વિલબ થવાની સાથે એનેક પોલમપોલ બહાર આવી છે. ખાસ કરીને ઓવરબ્રિજ બનાવવા તેમજ ડાઈવર્ઝન કાઢવા સહિતની કામગીરીમાં ભારે બેદરકારી દાખવામાં આવતી હોય આ માર્ગ અકસ્માત ઝોન બની ગયો હોય તેવી કપરી સ્થિતિ સામે આવી છે. મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાની લતીપર ચોકડીએ ચાર માર્ગીય કામ વચ્ચે ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું છે. પણ ડાઈવર્ઝનમાં મોટો ખાડો હોવાથી આ ખાડો અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અહીંયા વારંવાર અકસ્માત સર્જાઈ છે.

- text

ટંકારા લતીપર ચોકડીએ પાણીના નિકાલ માટે ભૂગર્ભની કુંડી બનાવવામાં આવી છે. પણ તેમાં નીતિ-નિયમો નેવે મુકતા આ કુંડીમાં વારંવાર વાહનો ખાબકે છે. ગતરાત્રે એક કપાસ ભરેલો ટ્રક ખાબક્યો હતો. આ ભૂગર્ભની કુંડી જોખમી બની ગઈ છે. અગાઉ અનેક વાહનો પડી ગયા બાદ આ અંગે મોરબી અપડેટમાં સવિસ્તાર અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે તંત્ર દોડતું થયું હતું અને અગાઉ રાજ્યપાલ આવ્યા ત્યારે બધું જ રૂડું રૂપાળું દેખાડવા આ હાઇવેના કામમાં રહેલી પોલમપોલનો ઢાંકપીછોડો કરાયો હતો. ફરી એવી જ પરિસ્થિતિ સર્જાતા વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. રાજકોટ-મોરબી હાઇવે જામનગર અને કચ્છ હાઇવેને જોડતો હોવાથી અહીં હજારો વાહનોની અવરજવર રહે છે. ત્યારે વાહનચાલકોની સલામતીને ધ્યાને લઈને તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

 

- text