કોરોનાની બીજી લહેરથી મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો

- text


લોકડાઉનને કારણે સપ્લાય ચેઇન તૂટતાં મોટાભાગના યુનિટોમાં ઉત્પાદનમાં 50 થી 60 ટકા કાપ : તૈયાર માલનો ભરાવો : શટડાઉન કરવું પડે તેવી સ્થિતિ

મોરબી : કોરોના મહામારીની બીજી લહેરમાં વિશ્વ વિખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે. મહારાષ્ટ્ર, દિલ્હી, સહિતના મુખ્ય ખરીદદાર રાજ્યોમાં લોકડાઉનને પગલે સિરામિક ઉત્પાદનોની માંગ ઘટતા હાલમાં મોરબીમાં સિરામિક ઉત્પાદનમાં 50 થી 60 ટકા કાપ મુકવામાં આવ્યો છે. અને 100 થી 150 ફેકટરીઓ બંધ થઇ જવા પામી છે.

કોરોના મહામારીના પહેલા રાઉન્ડ બાદ ચાઈનાથી આયાત બંધ થતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થયો હતો અને મોરબીમાં આવેલ 1000 યુનિટ તેજી સાથે ધમધમતા થયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર મોરબીના સિરામિક ઉદ્યોગ માટે જાણે ઘાતક નીવડી હોય તેમ સંક્રમણ વધતા મુખ્ય ખરીદદાર રાજ્ય એવા મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ તેમજ સાઉથના રાજ્યમાં માલ સપ્લાય ન થઇ શકતા હાલમાં મોટાભાગની ફેકટરીઓમાં તૈયાર માલનો ભરાવો થઇ જવા પામ્યો છે.

- text

મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીની બીજી લહેરમાં હાલમાં 100 થી 150કારખાના બંધ થયા છે અને હજુ પણ આગામી 15 દિવસમાં 100થી વધુ ફેકટરીઓ બંધ થાય તેવી સ્થિતિ છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાં માલ જતો બંધ થવાથી મોટાભાગની સિરામિક ફેકટરીમાં તૈયાર માલનો ભરાવો થવા પામ્યો છે. જો આવીને આવી પરિસ્થિતિ રહે તો આગામી દિવસોમાં મોરબીના સિરામિક ઉદ્યોગને એક મહિનાનું શટડાઉન કરવું પડે તેમહોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.

સિરામિક ફેકટરીમાં તૈયાર માલના ભરાવા ઉપરાંત શ્રમિકો અને તેમના પરિવારજનો બીમાર હોવાથી અનેક કારખાનામાંથી શ્રમિકો વતનમાં જતા રહ્યા હોવાથી મોરબી સિરામિક ઉદ્યોગને કોરોનાની બીજી લહેરમાં વ્યાપક પણે સહન કરવાનો સમય આવ્યો છે અને આ સ્થિતિમાં સિરામિક ઉદ્યોગને દૈનિક કરોડો રૂપિયાનું નુકશાન પહોંચી રહ્યું છે.

- text