બે જિલ્લાની હદના પ્રશ્ને વાંકાનેર – રાજકોટ હાઇવે બિસ્માર : અકસ્માતનો ભય

- text


મોરબી જિલ્લાની હદમાં માર્ગ બન્યો : રાજકોટની હદમાં ગાબડાનું સામ્રાજ્ય

વાંકાનેર : મોરબી અને રાજકોટ જિલ્લાની હદના કારણે બે જિલ્લા વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાથી વાંકાનેર કૂવાડવા માર્ગ લાંબા સમયથી જર્જરીત હાલતમાં મુકાયો છે અને વાહન ચાલકોની હાલાકી ભોગવવાની સાથે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.

વાંકાનેરથી રાજકોટ જવા માટેનો કુવાડવા સુધીનો માર્ગ હવે સાવ જર્જરિત થઈ ગયો છે, મોરબી જિલ્લાની હદને કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર અમરસર ફાટકથી કલાવડીની હદ સુધી જ માર્ગ પહોળો કરાયો છે. બીજી તરફ રાજકોટ જિલ્લાની હદમાં આવતા માર્ગ અંગે તંત્ર દ્વારા કાર્યવાહી કરાતી ન હોવાથી કણકોટથી કૂવાડવા સુધીના આશરે 25 કિ.મી.ના માર્ગ પર ઠેર ઠેર મસમોટા ગાબડા પડ્યા છે.

- text

વાહનોથી સતત ધમધમતો આ માર્ગ રાજકોટ જવાનો મુખ્ય માર્ગ છે. તેમ છતાં લાંબા સમયથી આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવતું નથી. માત્ર ગાબડાં પૂરવામાં આવે છે. ત્યારે માથે ચોમાસુ આવી રહ્યું છે; મસમોટા ખાડા તારવવા જતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આ આખા માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. હાલમાં હજારો વાહન ચાલકોની હાલાકી થઈ રહી હોવા છતાં માત્ર 25 કિ.મી.નો આ માર્ગ બનાવવામાં તંત્ર કેમ ઉદાસીનતા દાખવી રહ્યું હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text