ગ્રામજનોના પ્રચંડ વિરોધને પગલે ટંકારાના રોહિશાળા ગામે પવનચક્કીનું કામ અટકાવવા આદેશ

- text


ગામ નજીકથી પવનચક્કી નહિ હટાવાય તો સમગ્ર ગામ દ્વારા હિજરત કરવાની ચીમકીથી તંત્ર દોડતું

ટંકારા : ટંકારા તાલુકાના રોહીશાળા ગામે નાણાના જોરે ગામની અડોઅડ સરકારી ખરાબામાં પવનચક્કી પ્રોજેકટને મંજૂરી આપવામાં આવતા સમસ્ત ગામએ એકજુટ થઈ વિરોધ કરવાની સાથે સમસ્ત ગ્રામજનો દ્વારા હિજરતની ચીમકી આપવામાં આવતા અંતે લાચાર તંત્રે પવનચકકીનું કામ અટકાવવા આદેશ કર્યો છે. અને ભરબપોરે મામલતદાર ટીમ દ્વારા નોટિસ ફટકારી પવનચક્કીનું કામ અટકાવતા ગ્રામજનોએ રાહત અનુભવી છે.

રાજ્ય સરકારે સરકારી ખરાબાની જમીન ઉધોગ ધંધા માટે લીઝ ઉપર આપવા નિતી અમલમા મુકયા બાદ ટંકારા તાલુકાના મોટાભાગના ગામડાની સરકારી જમીનોમા પવનચક્કી થોપાઈ ગઈ છે. ટંકારા તાલુકાના રોહીશાળા ગામે સરકારી ખરાબાના સર્વે નં.૪૦૭ પૈકી ૧૯મા હાલ પવનચક્કી ઉભી કરવામાં આવી રહી હોય ગ્રામજનોએ સામુહિક વિરોધ કર્યો હતો. અને ગ્રામપંચાયતના સરપંચ ગૌરીબેન ચંદુભાઈ ઉપરાંત વાલજીભાઈ ડાયાભાઈ, નિર્મળાબેન દેવસી, ગીતાબેન, મનસુખ નારણભાઈ સહિતના સમગ્ર ગ્રામજનો દ્વારા ટંકારા મામલતદાર મારફત કલેકટરને આવેદનપત્ર પાઠવી પવનચક્કીનો વિરોધ નોંધાવી તંત્રએ ફાળવેલી જમીનમાં ગ્રામ પંચાયતની પૂર્વ મંજુરી ન હોવા છતા લાલચમા આવી જઈ જમીન ફાળવણી કર્યાનો આક્ષેપ કરાયો છે.

રોહિશાળા ગામની સાવ નજીક જ પવનચક્કી ઉભી થવાથી લોકો ઉપર સતત મોત ઝળુંબતું હોવાનો ડર હોવાનું તેમજ પવનચક્કીથી જમીનમા પાણીના તળ ઉંડા જવાની ભીતી વ્યક્ત કરવામા આવી હતી. સરકાર કમાણી કરવા અને પોતાના સ્વાર્થ ખાતર ગામડાને દોઝખમા નાખી રહ્યાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો હતો. પવનચક્કીને સરકારી નિયમ મુજબ ગામથી ત્રણ કી.મી. દુર જમીન ફાળવણી કરે અને હાલ ફાળવેલી જમીન અંગે ફેરવિચારણા નહી કરાય તો આખુ ગામ પહેલા અહીંથી સામુહિક ઉચાળા ભરશે. તે મતલબની મંજુરી આપ્યા બાદ જ પવનચક્કી સ્થાપવા માંગણી કરી હતી. જો તેમ નહી થાય તો લાલચમા ગામડાનુ અહિત કરનાર તંત્રના પાપેના છુટકે હાલના કોરોના મહામારી વચ્ચે પણ આંદોલન છેડવા ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

- text

દરમિયાન રોહિશાળાના ગ્રામજનોએ સામુહિક વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવી પવનચક્કી પ્રોજેક્ટ રોકવા માંગણી કરતા અધિક કલેકટર કેતન જોશીએ અન્ય સુચના ન મળે ત્યાં સુધી કામ રોકવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પવનચક્કી મામલે તંત્ર દાદ ન દયે તો ગ્રામજનો દ્વારા સામુહિક સ્થળાંતર કરી ઉચાળા ભરવાની મંજુરી આપવા માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે કલેકટર દ્વારા મોખિત સુચના આપી કામ બંધ કરવા જણાવ્યું હતું. પરંતુ કલેકટરની સુચનાને ધોળીને પી ગયેલા પવનચક્કી કંપનીવાળા કામ બંધ ન કરતા ગઈકાલે નાયબ કલેકટર દ્વારા મામલતદાર ટંકારાને પવનચક્કીનુ કામ અન્ય આદેશ ન આવે ત્યાં સુધી અટકાવવા આદેશ આપ્યો હતો. જેથી તાબડતોબ ખરા બપોરે મામલતદાર કચેરીનો સ્ટાફ ઉપરોક્ત જગ્યાએ દોડી ગયા હતા અને હુકમ અંગે નોટિસ ચોટાડી કામ અટકાવવા આદેશ આપ્યો હતો.

હાલ તો ગામજનો એ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ, આ મામલે કોર્ટમાં લડત ચાલુ રાખવામાં આવનાર હોવાનું અંતમાં જણાવ્યું હતું.

- text