મોરબી સિવિલમાં 24 પૈકી 16 વેન્ટિલેટર બંધ

- text


ટેક્નિકલ ખામીને કારણે ખરા સમયે જ વેન્ટિલેટરે કામ કરવાનું બંધ કરતા દર્દીઓની સાથે તબીબો પણ પરેશાન

મોરબી : કોરોનાના હાહાકાર વચ્ચે મોરબી સિવિલ હોસ્પિટલમાં ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ ઉક્તિ મુજબ કુલ 24 પૈકી 15 વેન્ટિલેટર ખરાખરીના સમયે જ બંધ થઇ જતા હાલ નવ વેન્ટિલેટરથી ગાડું ગાબડાવવામાં આવી રહ્યું છે. ટેક્નિકલ ખામીને કારણે બંધ થયેલા આ વેન્ટિલેટર રીપેર કરવા આખા સૌરાષ્ટ્રમાં ફક્ત એક જ ટેક્નિકલ માણસ હોય, હજુ પણ આ બંધ વેન્ટિલેટરો ચાલુ થતા અઠવાડિયાનો સમય લાગે તેમ હોય, દર્દીઓની સાથે તબીબો પણ પરેશાન થઈ રહ્યા છે.

કોરોના મહામારીમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં પહેલા ઓક્સીજનનની સુવિધાને લઈ દર્દીઓ હેરાન થયા બાદ સ્ટાફની અછત વચ્ચે પણ અહીં સેંકડો દર્દીઓની તબીબો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સારવાર સુશ્રુષા કરવામાં આવી રહી છે. એવામાં છેલ્લા દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં રહેલા 24 વેન્ટિલેટર પૈકી એક પછી એક 15 વેન્ટિલેટર ટેક્નિકલ ખામીને કારણે બંધ પડતા હાલમાં માત્ર 9 વેન્ટિલેટર ઉપર દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બંધ હોવા અંગે ઇન્ચાર્જ અધિક્ષક ડો. સરળવાએ જણાવ્યું હતું કે મોનિટર સિસ્ટમ બંધ થવા સહિતના કારણે 15 વેન્ટિલેટર હાલમાં બંધ પડ્યા છે અને વેન્ટિલેટર રીપેરીંગ માટે દરરોજ રિપોર્ટ કરવામાં આવે છે. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ફક્ત એક જ ટેક્નિકલ માણસ વેન્ટિલેટરનું રીપેરીંગ કામ કરતા હોય મુશ્કેલી પડી રહી છે. હાલમાં આ ટેક્નિકલ પર્સન જૂનાગઢ સિવિલમાં રીપેરીંગ કાર્ય કરી રહ્યા છે અને આગામી રવિવાર સુધીમાં વેન્ટિલેટર રીપેર થઇ શકે તેમ હોવાનું તેમને ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલમા સ્ટાફની ખુબ જ અછત છે ત્યારે વેન્ટિલેટર ઓપરેટિંગ માટે પણ સ્ટાફની અછત નડતર બની રહી છે કારણ કે વેન્ટિલેટર ઓપરેટિંગ માટે તજજ્ઞ તબીબોની ટીમની સાથે તાલીમબદ્ધ ટેક્નિકલ અને નર્સિંગ સ્ટાફ મહત્વનો હોય હાલમાં મોરબી સિવિલ તંત્રને સ્ટાફની અછતનો પ્રશ્ન પણ ખુબ જ સતાવી રહ્યો છે.

- text

- text