તમે મોરબી જિલ્લાને કોરોનામાં નાખી દીધો! ભાજપ અગ્રણીની કલેકટરને ઉગ્ર રજુઆત : વિડીયો વાયરલ

- text


મોરબી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમારની સીધી વાત, તમારા કારણે અમારે લોકોનું સાંભળવું પડે છે

મોરબી : કોરોના સામેની લડાઈમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાય ગયું છે ત્યારે ગઈકાલે પૂર્વ ધારાસભ્ય કાનભાઈએ જિલ્લા કલેકટર સાથે ઉગ્ર બનીને રજુઆત કર્યા બાદ આજે મોરબી શહેર ભાજપ અનુ. જાતિ મોરચા પ્રમુખ બાબુભાઇ પરમારે તડાફડી બોલાવી તમે જ મોરબી જિલ્લાને કોરોનામાં નાખી દીધાનું જણાવતા કલેકટર અડધી રજુઆત સાંભળી ચાલતા થયા હતા.

મોરબી શહેર ભાજપ અનુજાતિ મોરચા પ્રમુખ બાબુભાઇ પરમાર આજે કોરોના ટેસ્ટ વધારવા અને ખાનગી હોસ્પિટલમાં જામતી ભીડ ઓછી કરવા રજુઆત માટે જિલ્લા કલેકટરને રૂબરૂ મળ્યા હતા ત્યારે કલેકટરે કીટ મંગાવી છે આવી જશે તેવો જવાબ આપતા બાબુભાઇ તાડુક્યા હતા અને કલેકટર તંત્રની બરાબરની ઝાટકણી કાઢી હતી.

આ સમગ્ર ઘટનાનો કોઈએ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. જેમાં ભાજપ અગ્રણી બાબુભાઈના ઉપરા છાપરી સવાલો નો જવાબ જિલ્લા કલેકટર આપી શકતા નથી.

- text

આ રજુઆતમાં ભાજપ અગ્રણી સ્પષ્ટપણે કહેતા જણાય છે કે, ભાજપ સરકાર કરોડો રૂપિયા કોરોના માટે ફાળવે છે પણ તમે આયોજન કરી શકતા નથી. મોરબીમાં કોરોના માટે તંત્રએ કોઈ આગોતરી તૈયારી ન કરી હોવાથી અત્યારે આ સ્થિતિ ઉદભવી હોવાનું જણાવી ઉગ્ર રજુઆત કરતા છેલ્લે જિલ્લા કલેકટર રજુઆત સાંભળ્યા વગર જ ચાલતી પકડી રવાના થયા હતા.

આ મામલે બાબુભાઇ પરમારે મોરબી અપડેટને જણાવ્યું હતું કે, જો ટૂંક સમયમાં રજુઆતને પરિણામ ન મળે તો ગાંધીનગર જઈ રજુઆત કરાશે. આજની રજુઆતમાં બાબુભાઇ સાથે જિલ્લા અનુ.જાતિ મોરચાના પ્રમુખ વિઠલભાઈ ચાવડા, કાઉન્સિલર મનુભાઇ સારેસા, ઉપપ્રમુખ રવિભાઈ ધૂમલ, શહેર ભાજપ અ.જા. મહામંત્રી ધર્મેશભાઈ મકવાણા, સામાજિક અગ્રણી દીપકભાઈ ચૌહાણ, રાજનભાઈ પુરબીયા, મહેશભાઈ સોલંકી વગેરે સાથે રહ્યા હતા.

- text