નફ્ફટ તંત્ર : મોરબી પાલિકાએ કોરોના ટેસ્ટિંગ માટે ત્રણ જગ્યા આપી : આરોગ્ય વિભાગ કહે છે વિચારશું

- text


મોરબીમાં કોરોના કંટ્રોલ કરવાની આરોગ્ય વિભાગની જ દાનત નથી : સીરામીક એસોશિએશન પણ જગ્યા આપવા છતાં આરોગ્ય તંત્ર જવાબ નથી આપતું

મોરબી : મોરબીમાં કોરોના રાક્ષસ અટ્ટહાસ્ય કરી અનેક દરરોજ સેંકડો લોકોને સંક્રમિત કરી રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ માટે અલગ અલગ ત્રણ જગ્યા ફાળવવા બબ્બે વખત જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવા છતાં આરોગ્ય અધિકારી નવા કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવા તૈયાર થતા ન હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

મોરબીમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ જોતા જિલ્લા કલેકટર દ્વારા મોરબી શહેરમાં વધુ ત્રણ નવા સ્થળોએ કોરોના ટેસ્ટિંગ કરવા જાહેરાત કરી હતી પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી કલેક્ટરથી પણ ઉપર હોય તેમ વર્તન કરી નવા ટેસ્ટિંગ સેન્ટર શરૂ ન કરી પ્રજા માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.જિલ્લા કલેકટરની સુચનાને પગલે મોરબી પાલિકા દ્વારા કાયાજી પ્લોટ ખાતે કોમ્યુનિટી હોલ, સામાકાંઠે રોટરીનગર બાલમંદિર અને અયોધ્યાપુરી રોડ ઉપર સીરામીક એસોસસિએશન દ્વારા બે દુકાન આપવા આરોગ્ય વિભાગને સામે ચાલીને જગ્યા આપવા તૈયારી દર્શાવી છે અને પાલિકા દ્વારા તો બબ્બે રિમાઇન્ડર પણ આપવામાં આવ્યા છે.

- text

જો કે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી દ્વારા કોરોનાના કેસ બેફામપણે વધી રહ્યા હોવા છતાં નવા સેન્ટર શરૂ કરવા જરાપણ રસ દાખવવામાં ન આવ્યો હોવાથી પ્રજાજનો હેરાન થી રહ્યા છે. આ સંજોગોમાં જિલ્લા કલેક્ટર દ્વારા નવા કોરોના ટેસ્ટિંગ સેન્ટર મામલે ગંભીરતા પૂર્વક કડક આદેશ કરવામાં આવે તો જ આરોગ્ય વિભાગની નીતિ સુધરે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

દરમિયાન નવા ત્રણ કોવિડ ટેસ્ટ સેન્ટર ચાલુ કરવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, નવા ટેસ્ટ ચાલુ કરવાના જ છે અને એ બધું એપેડેમિક ઓફિસર ડો. હાર્દિક રંગપરીયાને ખબર છે. જો કે ડો.રંગપરીયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓનો ફોન સતત નો રીપ્લાય થયો હતો. આમ આરોગ્ય વિભાગ નવા ટેસ્ટ સેન્ટર શરૂ કરવા એક બીજાને ખો આપી રહ્યો હોય તેવી સ્થિતિમાં મોરબીમાં લોકો કોરોનાનો વધુને વધુ શિકાર બની રહ્યા છે અને ટેસ્ટિંગમાં લાઈનોમાં રહી દર્દ નિવારવાને બદલે વધુ પીડા ભોગવી રહ્યા છે.

- text