વાંકાનેરને ચોતરફથી ભરડો લેતો કોરોના

- text


 

  • સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બંધ : ભાટિયા સોસાયટી, કુંભારપરા, હાઉસિંગ સોસાયટી, પેડક અને જેતપરડા સહિતના વિસ્તારોમાં ઢગલા બંધ પોઝિટિવ કેસ

  • કોરોના મહામારીની સાથે સાથે વાયરલ રોગચાળો વધતા ખાનગી હોસ્પિટલો હાઉસફુલ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રાક્ષસે હાહાકાર મચાવી વિકરાળ પંજો ફેલાવ્યો છે ત્યારે વાંકાનેર શહેર ફરતે કોરોનાએ ભરડો લઈ લેતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે, જો કે, ગંભીર બાબત તો એ છે કે વાંકાનેરમાં એકમાત્ર સરકારી હોસ્પિટલનું કોવિડ કેર સેન્ટર બંધ હોય પોઝિટિવ દર્દીઓને ફરજીયાતપણે રાજકોટ અથવા મોરબીનો સહારો લેવો પડી રહ્યો છે.

વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ક્રૂર બનીને કહેર વર્તાવી રહ્યો હોય છેલ્લા દિવસોમાં વાંકાનેરની ચોતરફ પોઝીટિવ કેસોનો રાફડો ફાટતા વાંકાનેર શહેરને કોરોનાએ ભરડો લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા દસેક દિવસમાં હાઉસિંગ સોસાયટીમાં 100, ભાટિયા સોસાયટીમાં 40, કુંભરપરામા 50, પેડકમાં 75 જેતપરડામાં 50 સહિત ગ્રામ્ય 250 જેટલા કેસ નોંધાયા છે અને સામે પક્ષે હજુ પણ લોકોને ટેસ્ટ માટે વેઇટિંગમાં રહેવું પડતું હોય કોરોનાની ગંભીર સ્થિતિ હોવાનું બહાર આવ્યું છે.

- text

બીજી તરફ વાંકાનેર શહેર અને જિલ્લામાં કોરોનાની સાથે વાઇરલ તાવ, શરદી, ઉધરસના કેસ પણ મોટી સંખ્યામાં બહાર આવતા નાના મોટા દવાખાના અને હોસ્પિટલમાં હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સંજોગોમાં કોરોનાના કેસ પણ વધ્યા હોવા છતાં એક માત્ર સરકારી હોસ્પિટલનું કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં ન આવતા પોઝિટિવ દર્દીઓને સારવાર માટે મોરબી રાજકોટના ધક્કા થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં રેપીડ ટેસ્ટ કિટના અભાવે ટેસ્ટની સંખ્યા ઘટાડવામાં આવતા આ મામલે વાંકાનેર પાલિકાના સદસ્ય સુનિલ કુમાર મહેતાએ ટેસ્ટ વધારવાની સાથે કોવિડ કેર સેન્ટર પણ ફરી શરૂ કરવા લેખિત રજુઆત કરી છે.

- text