મોરબીમાં અનેક મોટામાથાઓ અને ભાજપના બળવાખોર નેતાઓની હાર

- text


જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેને હાર ખમવી પડી

મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મોરબી જિલ્લાના પરિણામો ચોકાવનારા રહ્યા છે મતદારોએ અલગ જ મિજાજના દર્શન કરાવી ભાજપને ખોબલે-ખોબલે મત આપતા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શિક્ષણસમિતિના ચેરમેન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપરાંત ભાજપ સામે શિંગડા ભરાવી અપક્ષ લડનાર ઉમેદવારને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

મોરબી જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ગત ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવનારા અનેક મોટાગજાના નેતાઓને આ વખતે પરાજય સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રભુભાઈ વિંઝવાડિયાના પત્નીને ઢુંવા બેઠક ઉપર પરાજય મળ્યો છે તો રાતીદેવડી બેઠક ઉપર વર્ચસ્વ ધરાવતા પૂર્વ ઉપપ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમને ગુલામઅમી પરાસરાને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

- text

એ જ રીતે હળવદની સાપકડા બેઠક બેઠક ઉપરથી ગત ચૂંટણીમાં જીત હાંસલ કરી કારોબારી ચેરમેનપદે બિરાજનાર કોંગ્રેસના હેમાંગ વસાવડા, સનાળા બેઠક ઉપરથી ચૂંટણી લડનાર મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુમ્બીયા અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને પાસ અગ્રણી ઉપરાંત હાર્દિક પટેલના ખાસમખાસ ગણાતા મનોજ પનારાના પત્નીને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

દરમિયાન મોરબી નગરપાલિકામાં પણ બબ્બે પૂર્વ પ્રમુખને હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં પૂર્વ પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ અને અસ્મિતાબેન કોરીંગાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ભાજપે ટિકિટ ન આપતા મહેન્દ્રનગર બેઠક ઉપરથી પોતાના પત્નીને અપક્ષ મેદાને ઉતારનાર ભાજપના કદાવર નેતા અશ્વિન બોપલિયાને પણ વિજય બાદ હાર પહેરાવવાને બદલે મતદારોએ હાર આપી હતી.

- text