મોરબી જિલ્લામાં આજથી વડીલોને વેકસિનેશન શરૂ

- text


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના પત્નિ અંજલિબેને લીધો વેકસીનનો પ્રથમ ડોઝ

મોરબી: કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે પોલીસકર્મી, એસઆરપી, તમામ મેડિકલ વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જ્યારે આજે 1 માર્ચે 60 વર્ષથી વધુ વયના નાગરિકોનું વેક્સિનેશન શરૂ થયું છે. અલબત્ત આ તબક્કામાં 45 વર્ષથી વધુ વયના તેવા નાગરિકોને પણ વેક્સિન આપવામાં આવશે કે જેઓ કોઇ ગંભીર બીમારીથી ગ્રસ્ત છે. ત્યારે મોરબી જિલ્લાની 39 સાઇટ પર રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કોરોના વેકસીન લેવા ઇચ્છતા 60 વર્ષની ઉંમરના વડીલો અને ગંભીર બીમારી ધરાવતા 45 વર્ષ સુધીના લોકો રજિસ્ટ્રેશન માટે આ લિંકનો ઉપયોગ કરવો : https://selfregistration.cowin.gov.in/

બીજા તબક્કાના પ્રથમ ડોઝનું વેક્સિનેશન જાહેર જનતા માટે આજથી શરૂ થયું છે. સમગ્ર ભારતમાં જનરલ નાગરિકો માટે કે જેઓ 60 વર્ષથી વધુ વયના છે તેઓનું કોરોના વેક્સિનેશન આજથી શરૂ થયું છે. મોરબી જિલ્લામાં કુલ 39 સ્થળ પર આ પ્રક્રિયાનો આજે સવારથી પ્રારંભ થયો છે. મોરબી શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક રસી આપવામાં આવી રહી છે. જ્યારે ક્રિષ્ના હોસ્પિટલ તેમજ આયુષ હોસ્પિટલમાં 250 રૂપિયા ચૂકવીને વેક્સિનેશન આપવાની પ્રક્રિયા શરૂ થઇ છે. મોરબી શહેરમાં સવારથી બપોર સુધીમાં 40 જેટલા નાગરિકો કે જેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય તેમને રસી મુકવામાં આવી છે. રસિકરણની પ્રક્રિયામાં ઉત્તરોઉતર વધારો થશે તેવું હાલ જણાઈ રહ્યું છે.

અર્બન હેલ્થ સેન્ટરમાં લીલાપર ખાતે પરસોતમ ચોક સ્થિત પરસોતમ હોલમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર જનતા માટે કોરોના રસી મુકવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, જે હાલના તબક્કે પણ ચાલી રહી છે. અગાઉથી કરાવેલા રજિસ્ટ્રેશનને આધારે જ નાગરિકોને કેન્દ્ર ખાતે બોલાવવામાં આવી રહ્યા છે. આજે પ્રથમ દિવસે રસીનો પ્રથમ ડોઝ લેનાર વ્યક્તિએ 28 દિવસ બાદ બીજો ડોઝ મૂકવો જરૂરી છે. તમામ રસીકરણ કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. મોરબી જિલ્લામાં તેમજ સમગ્ર રાજ્યમાં જનરલ પબ્લિક માટે પૂનાની સિરમ ઈન્સ્ટીટયુટના દ્વારા નિર્મિત કોવીસીલ્ડ રસી મુકાઇ રહી છે. મોરબીના ડોક્ટર વિપુલ કારોલીયા એ ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ વયના દરેક નાગરિકો તેમજ 45 વર્ષથી ઉપરના હોય પરંતુ તેઓ કોઇ બીમારીથી ગ્રસ્ત હોય તેઓને હાલ રસી આપવામાં આવી રહી છે. તો દરેક વ્યક્તિ રસી મુકાવે તેવી અપીલ તેઓએ કરી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આજે પહેલી માર્ચે વહેલી સવારે 6:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં કોરોનાની રસી મુકાવી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ ગાંધીનગર નજીક ભાટગામની એપોલો હોસ્પિટલમાં રસીકરણ કરાવ્યું હતું.

- text