હળવદના ચરાડવામાં જુગારના દરોડામાં રાજકીય સોદાબાજી!!

- text


જુગાર રેડ બાદ અપક્ષ ઉમેદવારી પરત ખેંચવાની શરતે પ્રકરણ ભીનું સંકેલાતા અનેકવિધ ચર્ચા

હળવદ : હળવદના અનોખા રાજકારણમાં બે બળિયા જૂથ વચ્ચે હવે પોલીસ પણ રાજકારણીની ભૂમિકામાં આવી હોય તેવું ચોકાવનારું જુગાર પ્રકરણ ચરાડવામાં બહાર આવ્યું છે. ગઈકાલે ચરાડવા ગામના પાધરમાં જુગારની રેડ બાદ રાજકીય આગેવાને મધ્યસ્થી કરી અપક્ષ ઉમેદવારી પરત ખેંચાવી લેવાની શરતે ગુન્હો નોંધતા અટકાવી દેતા નાના એવા ચરાડવા ગામમા આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

આ ચકચારી બનાવની વિગતો જોઈએ તો હળવદ તાલુકાના ચરાડવા ગામે ગઈકાલે ગામના પાધરમાં આવેલ લીંબુની વાડીમાં જુગાર રમતા શખ્સો પર પોલીસે રેડ કરી હતી. જેમાં દરોડા દરમિયાન આઠમાંથી પાંચ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે ત્રણ ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલ આરોપીઓને પોલીસ મથકે લઇ આવવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ આ જુગારના દરોડામાં પટમાંથી પોલીસે રૂપિયા ૩૦ હજાર જેટલાની રોકડ પણ જપ્ત કરી હતી પરંતુ ફરિયાદ નોંધવાને બદલે એક રાજકીય નેતાના ઈશારે પોલીસે હજુ સુધી ફરિયાદ દાખલ કરી ન હોવાનું બહાર આવ્યુ છે અને ચરાડવા ગામમાં ચર્ચાતી વિગતો મુજબ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી અને જે આરોપીઓ ઝડપાયા હતા. તેમાંના એક વ્યક્તિ એ તેના અત્યંત વિશ્વાસુ વ્યક્તિને તાલુકા પંચાયતની ચરાડવા સિટ ઉપર અપક્ષમાં ઉમેદવારી કરાવી હોય, જેથી હળવદના રાજકીય નેતા દ્વારા જો અપક્ષ ઉમેદવારી કરનાર વ્યક્તિ પોતાની ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લે તો પોલીસ ફરિયાદ નહીં થાય અને જો ન ખેચવામા આવે તો ફરિયાદ થશે તેવી ખાતરી સાથે પોલીસ મથકેથી જવા દેવામાં આવ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સાથે જ જે ત્રણ વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતા, તેઓ પાસેથી પણ પોલીસે વહીવટ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ગઈકાલે પોલીસની રેડ પડી ત્યારે ઘટના સ્થળે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા પરંતુ હજુ સુધી આરોપીઓ વિરુદ્ધ કોઇ પણ ફરિયાદ થઇ હોવાનું પોલીસ મથકેથી જણાતું નથી અને સંબંધિત અધિકારી પણ મગનું નામ મરી પાડતા નથી જો કે, આ બનાવ બાદ જુગારીઓને પોલીસ મથકે લાવ્યા હોવાના પુરાવા સીસીટીવીમાં આવી ગયા હોવાનું અને ઝડપાયેલ અને ફરાર થઈ ગયેલા શખ્સોના નામ પણ પોલીસ દ્વારા લખવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આમ, ચૂંટણી આવતા હળવદમાં રાજકીય પક્ષની સાથે પોલીસ પણ રાજકારણમાં રંગાઈ જતા ચરાડવા ગામના બનાવને લઈ ચોતરફ અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.

 

- text