રામભક્તિનો પરિચય : મોરબીની બે નિવૃત મહિલાઓએ બચતના રૂ. 27 લાખ રામમંદિરમાં અર્પણ કર્યા

- text


“રામનું છે ને રામના ચરણોમાં અર્પણ કરીએ છીએ.” : મંજુલાબેન

મોરબી : રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. તેમાં આજે મોરબીના બે સેવા નિવૃત્ત બહેનોએ સાદુ જીવન જીવી કરકસરપૂર્વક બચત કરેલી જીવનની સર્વસ્વ કહી શકાય તેવી મુડી રૂ. 27 લાખનું સમર્પણ કર્યુ છે. તેમના સમર્પણને લોકો અંતરથી વધાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શનાળા રોડ પરની રામેશ્વર સોસાયટીમાં નિવાસ કરતા નિવૃત શિક્ષિકા મંજુલાબેન સોલંકી તથા નિવૃત નર્સ ભાનુમતીબેન સોલંકીએ મોરબીને પોતાની કર્મભૂમિ બનાવી પોતાના વ્યવસાયને દિપાવે તેવી ઉતમ ફરજ નિભાવી વિવિધ સેવા પ્રવૃતિઓ અને ધર્મ-ધ્યાન સાથે નિવૃત જીવન પસાર કરી રહ્યા છે.

બંને બહેનોએ અયોધ્યામાં રામમંદિર નિર્માણની વાત સાંભળતા બંને બહેનોએ ખૂબ જ કરકસરપૂર્વક સાદુ જીવન જીવી એકત્ર કરેલા 27 લાખ રૂ. રામમંદિર નિર્માણ માટે આપવાનો સંકલ્પ કર્યો હતો અને આ વાતને તેમના સંબંધી અને જૂના સહકર્મચારી કાંતિભાઈ ઠાકરને તથા વિજયભાઇ રાવલને કરતા તેઓએ પણ આ સંકલ્પને ખુબ જ ઉમળકાભેર આવકાર્યો હતો અને ગઈકાલે એકાદશીના દિવસે તેઓએ સંકલ્પને પરીપૂર્ણ કર્યો હતો.

આ અવસરે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસીઆ, લલિતભાઈ ભાલોડિયા, જયંતિભાઈ રાજકોટીયા, રામનારાયણભાઈ દવે, મહેશભાઈ બોપલીયા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, ડો. બી. કે. લહેરુ, પારસભાઈ વોરા સહિતના કાર્યકર્તાઓએ આ બંને બહેનોની રામભક્તિ, સોનેરી સંકલ્પ અને શ્રેષ્ઠ વિચારને બિરદાવ્યા હતા.

- text

ડો. ભાડેસીઆએ આ બંને બહેનોએ કરેલા સમર્પણ પ્રસંગે શબરીના શ્રેષ્ઠતમ સમર્પણને યાદ કરી જીવનપર્યત એકઠા કરેલાં તમામ મીઠા બોરને ભગવાન શ્રીરામના ચરણોમાં સમર્પિત કરવા જેવું ઉતમ ગણાવી સમગ્ર દેશમાં ઉત્તમોત્તમ સમર્પણ પૈકીનું એક ગણાવી બિરદાવ્યા હતા. સમર્પણ કરનાર મંજુલાબેને “રામનું છે ને રામના ચરણોમાં અર્પણ કરીએ છીએ” તેવી ભાવના સાથે પોતે બચત કરેલી મુડીનો શ્રેષ્ઠ કાર્ય એટલે રામમંદિર નિર્માણમાં ઉપયોગ થશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

- text