એમસીએક્સમાં રબરના વાયદામાં પહેલા કોન્ટ્રેક્ટની પતાવટમાં 70 ટનની નોંધપાત્ર ડિલિવરી

- text


મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ. (એમસીએક્સ) પર રબર વાયદામાં પહેલા કોન્ટ્રેક્ટની પતાવટ કરવામાં આવી, જેમાં 70 ટનની નોંધપાત્ર ડિલિવરી નોંધાઈ છે.

એક્સચેન્જે જાન્યુઆરી 2021માં સમાપ્ત થયેલા પહેલા રબર કોન્ટ્રેક્ટને 28 ડિસેમ્બરના રોજ લોન્ચ કર્યો હતો. હાલમાં ફેબ્રુઆરીથી જૂનમાં સમાપ્ત થનારા રબર કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. એમસીએક્સના મંચ પર રબરની સ્ટોક પોઝિશન 114.36 ટનની છે, તેની સાથે-સાથે 30 ટનની એક વધુ ડિપોઝીટ્સ પણ પ્રક્રિયાના ચરણમાં છે.

એમસીએક્સના બિઝનેસ ડેવલપમેન્ટના હેડ રિશી નાથાણીએ કહ્યું કે બજારના સહભાગીઓએ રબરના વાયદા કોન્ટ્રેક્ટ્સનો વ્યાપકરીતે સ્વીકાર કરી લીધો છે અને એક્સચેન્જ હેજિંગના લાભો પર જાગૃતિ ફેલાવવા માટે પોતાના પ્રયત્નો ચાલુ રાખશે.

આ કોન્ટ્રેક્ટ બજારના સહભાગીઓને ભાવ શોધ, જોખમ સંચાલન અને એક મજબૂત ડિલિવરી મેકેનિઝમ પૂરું પાડે છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

- text

રબરના આ વાયદા કોન્ટ્રેક્ટ્સ બજારના સહબાગીઓને ‘રિબ્ડ સ્મોક શીટ્સ4 (આરએસએસ4)’ ગુણવત્તાવાળા રબરમાં ટ્રેડ કરવા માટે સક્ષમ બનાવે છે. તેની લોટ સાઈઝ 1 મે.ટનની છે. રબરના આ વાયદા ફરજિયાત ડિલિવરી લોજિકના કોન્ટ્રેક્ટ્સ છે.

રબરના કોન્ટ્રેક્ટ મહિનાના કામકાજના અંતિમ દિવસે તે અંતે સમાપ્ત થઈ જાય છે. આ કોન્ટ્રેક્ટ માટે ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ વધઘટ) રૂ.1ની છે, જ્યારે પ્રારંભિક માર્જિન 10 ટકાનું છે. તેના ભાવનો ક્વૉટ કેરળના પલક્કડમાં ડિલિવરી કેન્દ્રના એક્સ-વેરહાઉસના દર (વેચાણવેરો/જીએસટી સિવાય) મુજબ છે. એમસીએક્સ પર રબરના વાયદા સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હોય છે.

એક્સચેન્જના મંચ પર ઉપલબ્ધ આ રબરના વાયદાનો ઉદ્દેશ્ય રબરના ઉત્પાદકો, વેપારીઓ, નિકાસકારો, આયાતકારો અને ટાયર ઉદ્યોગ જેવા અંતિમ વપરાશકારો જેવી મૂલ્ય શ્રૃંખલાના સહભાગીઓને ઘરેલૂ અને વૈશ્વિક બંને ફિઝીકલ માર્કેટમાં એક ઉચિત અને પારદર્શક ભાવ શોધનું એવું મેકેનિઝમ પૂરું પાડે છે, જે ફંડામેન્ટલ્સને દર્શાવે છે.

- text