નેકનામ ગામમાં સરપંચ દ્વારા ‘હરતું ફરતું પશુ દવાખાનું’નું સ્વાગત કરાયું

- text


ટંકારા : ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા “દસ ગામ દીઠ હરતું ફરતું પશુ દવાખાનું” યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના દસ ગામ એટલે કે નેકનામ, સખપર, વાછકપર બેડી, હમિરપર, ધ્રોલિયા, વિરવાવ, રોહિશાળા, જોધપર ઝાલા, બંગાવડી અને ખાખરા સહિતના દસ ગામ વચ્ચે એક હરતું ફરતું પશુ દવાખાનાની વાનની ફાળવણી કરવામાં આવી છે.

ગઈકાલે આ વાન નેકનામ ગ્રામ પંચાયત કચરીએ આવી પહોંચી હતી. હરતું ફરતું પશુ દવાખાના વાનના સ્વાગત માટે સરપંચ અરુનાબા કનકસિંહ ઝાલા, ઉપસરપંચ રૂપાબા ઝાલા, તલાટીમંત્રી બીજલ આલ તથા ગામના પશુપાલકો તથા પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપેલ હતી. અંતમાં સરપંચ, ઉપસરપંચ, તલાટીમંત્રી, ગ્રામજનો તથા પશુપાલકો એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તથા પશુપાલન મંત્રી કુવરજીભાઈ બાવળિયાનો અંતકરણપૂર્વક આભાર માન્યો હતો.

આ તકે પશુ ડોકટર ડૉ. જોધરાજસિંહ એ આપેલ માહિતી અનુસાર ‘હરતું ફરતું પશુ દવાખાનું’ ઉપર મુજબના દસ ગામ વચ્ચે ફ્રી ઓફ કોસ્ટ (નિ:શુલ્ક) સવારે 7 વાગ્યા થી સાંજના 7 વાગ્યા સુધી સેવા આપવામાં આવશે. આ સેવાનો લાભ લેવા પશુ પાલકોએ સરકારના ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરવાનો રહેશે અને ફોન પર જિલ્લા, તાલુકો, ગામ અને પશુ પાલકનું નામની માહિતી આપવાની રહેશે. ત્યારબાદ થોડા સમયમાં આ વાન દ્વારા જે તે પશુ પાલકનો સંપર્ક કરવામાં આવશે. ગુજરાત સરકારની આ યોજનાનો લાભ દસ ગામના દરેક પશુપાલકો મહત્તમ પ્રમાણમાં લે તેવી અપીલ કરેલ હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text