આમીર ખાન પરિવાર સાથે સાસણમાં : સિંહ દર્શનની મોજ માણી

- text


 

 

વનવિભાગે 6 નવી નક્કોર જીપ્સી તૈનાત કરી : આમિર ખાનને જોવા સિંહ સદનમાં લોકો ઉમટ્યા

મોરબી : ફિલ્મ સ્ટાર આમીર ખાન ગુજરાતની મુલાકાતે છે. પરિવાર સાથે તેઓ સાસણ પહોંચ્યા હતા. આજે વહેલી સવારે તેઓ 6.30 કલાકે સાસણમાં સિંહ દર્શન પર નીકળી પડયા હતા. જિપ્સીમાં બેસીને આખો પરિવાર સિંહ દર્શન કરવા રવાના થયો હતો. તેમની પત્ની કિરણ રાવ અને બાળકો પણ જિપ્સીમાં બેસીને નીકળી પડ્યા હતા. એશિયાટિક સિંહ દર્શન કરવાં રવાના થયેલ આમીર ખાન પહેલીવાર સાસણ ગીરમાં મુલાકાત કરી છે. ત્યારે વન વિભાગ અધિકારી મોહન રામ ખુદ આમીર ખાન સાથે જિપ્સીમાં બેસી તેઓને સિંહ દર્શન કરાવવા નીકળયા હતા.

બોલિવુડ સ્ટારના પરિવારે ત્રણ કલાક દરમિયાન જંગલ સફારી કરી હતી. આમીરખાનની સાથે પત્ની કિરણ રાવ, પુત્ર આઝાદ, પુત્રી ઇરા અને ભત્રીજા ઇમરાન, આમીરની પ્રથમ પત્ની રીના દત્તા અને ઇમરાનની પુત્રી ઇમારા મલિક ખાન પણ જોવા મળી હતી. પોતાની લગ્ન એનિવર્સરી મનાવવા આમિર ખાન સાસણ ગીરની મુલાકાતે છે. ગીરના જંગલમાં તેઓ ત્રણ દિવસ વિતાવશે. આમિર ખાને ગીરના પ્રાઇવેટ રિસોર્ટ રોકાણ કર્યું છે. ત્યારે સ્થાનિક લોકોમાં આમિર ખાનને જોવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો.

- text

આમીરખાનને સિંહ દર્શન કરાવવા માટે વનવિભાગે 6 નવી નક્કોર જીપ્સી તૈનાત કરી છે. તેમજ ગાઇડ સહિત 15 લોકોનો કાફલો પણ તૈનાત કર્યો છે. ટ્રેકરોને પણ આમીરખાનની મુલાકાતના સમયે સિંહ રૂટ પરજ જોવા મળે એવી સુચના આપી દેવાઇ હતી. આમીરખાન ગઈકાલે સવારે મુંબઇથી ચાર્ટર પ્લેનમાં પોરબંદર આવવા રવાના થયા હતા. બપોરે તેઓ પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એરપોર્ટ ગેલેરીમાં મૂકાયેલા ગાંધીભૂમિ દર્શાવતા ફોટાને નિહાળ્યા હતા. એરપોર્ટ પર થોડા સમય વિતાવીને તેઓ સાસણ જવા રવાના થયા હતા.

- text