આજે કહેવાતી કતલની રાત : કાલે મંગળવારે મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટે મતદાન

- text


જો જીતા વહી સિકંદર” – ..પણ જીતેલો સિકંદર ખૂબ ઓછી લીડથી જીતશે!!

નેતાઓ અને કાર્યકર્તાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું હવે જનતાના અકળ ચુકાદા પર સૌની મીટ

મોરબી: 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોક્સનો જંગ જામ્યો છે. બન્ને પક્ષોએ મતદારોને રીઝવવા માટે કોઈ કસર છોડી નથી. ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો તથા ડેપ્યુટી સીએમ અને સીએમ સહિતના સ્ટાર પ્રચારકોએ જબરદસ્ત જનસંપર્ક કર્યો છે ત્યારે મંગળવારે જનતા જનાર્દન હવે જનાદેશ આપવાની છે. કોણ કેટલામાં છે એ દસ તારીખે બહાર આવશે પણ પરિણામના બીજ મંગળવારે જ વવાઈ જશે. જો કે મતદારો છેલ્લી ઘડી સુધી અકળ મિજાજી રહેતા બન્ને મુખ્ય પક્ષો પણ જીતને લઈને ભારે અવઢવમાં મુકાયા છે અને પરિણામ સુધી ઘેરું સસ્પેન્સ સર્જાયું છે.

ભાજપે તો આ પેટા ચૂંટણી જીતવા આકાશ-પાતાળ એક કરી નાખ્યું હતું. તો સામાં છેડે કોંગ્રેસ પણ પાછી પડે એમ ન હતી. કોંગ્રેસે પણ ચૂંટણીના પ્રચાર મેદાન મોટા ગજાના નેતાઓની ફોજ ઉતારી હતી. ભાજપ તરફથી ઉમેદવાર બ્રિજેશ મેરજના સમર્થનમાં સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓ, પાંચ સાંસદ, પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓ, પાંચથી વધુ ધારાસભ્યો, સંગઠનના હોદેદારો અને રાજકોટ શહેર ભાજપની ટિમ તેમજ સીએમના પત્ની અંજલિબેન રૂપાણી સહિત તેઓની મહિલાઓની ટીમે મોરબી અને માળિયા વિસ્તારમાં જબરદસ્ત ચૂંટણી પ્રચાર કર્યો હતો.

જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલ અને સાતથી વધુ ધારાસભ્યો અને અનેક હોદ્દેદારોઓએ ચૂંટણી સભાઓ ગજાવી હતી.

નેતાઓ છેલ્લા એક માસથી પોતાની ઉંઘ હરામ કરીને મતદારોને પોતાના તરફે આકર્ષવા પડ્યા હતા. અલબત્ત મતદારો પણ હવે ગજબના શાણા અને સમજુ થઈ ગયા છે. છેલ્લી ઘડી સુધી મતદારોનો મિજાજ અકળ રહ્યો હતો. આથી છેલ્લી ઘડી સુધી કોનું પલડું ભારે છે એ નક્કી કરવામાં બન્ને પક્ષો સહિત રાજકીય વિશ્લેષકો પણ ગોથાં ખાઈ રહ્યા છે. જાણકારોના મત અનુસાર કેટલું મતદાન થાય છે તેના પર પરિણામનો આધાર રહેશે. કોરોનાકાળ વચ્ચે મતદારો કેટલા ઉત્સાહથી મતદાન કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

- text

આજે સોમવારે કહેવાતી ‘કતલની રાત’ને લઈને છેલ્લી ઘડીના ચોગઠાઓ ગોઠવવામાં બન્ને મુખ્ય પક્ષોના અગ્રણી નેતાઓ કાર્યકરોને સૂચનાઓ આપી રહ્યા છે. કાર્યકરો પણ ઘરનો પ્રસંગ હોય એ રીતે ઉત્સાહપૂર્વક વર્તી રહ્યા છે. મતદાન અગાઉ છેલ્લી ઘડીએ પોત પોતાના કમિટેડ વોટરને કઇ રીતે મતદાન મથક સુધી ખેંચી લાવવા એ અંગેના પાસાઓ ગોઠવાઈ રહ્યાં છે. મતદારો અને સમર્થકોને આંખની શરમ આવે અને મતદાન મથક સુધી ખેંચાઈ આવે એવી ભાવનાત્મક રણનીતિઓ પણ અમલી બનાવાઈ છે. ત્યારે હવે સૌની નજર કાલે મંગળવારે થનારા મતદાનના આંકડાઓ પર મંડાઈ છે. મુદ્દાઓ ગમે તે હોય, આક્ષેપો ગમે તેવા અને ગમે તેટલા થયા હોય પણ ચૂંટણીમાં તો “જો જીતા વોહી સિકંદર” હોય છે. અલબત્ત આ વખતે જીતેલો કોઈપણ સિકંદર ખૂબ ઓછી લીડથી જીતશે એવું જાણકારો ખોંખારો ખાઈને કહી રહ્યા છે.



મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text