બ્રિજેશ મેરજાને વિજયી બનાવવા બ્રહ્મ સમાજનું આશીર્વાદ સંમેલન યોજાયું

- text


અંજલિબેન રૂપાણી, રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, મંત્રી વિભાવરીબેન દવે સહિતના મહિલા અગ્રણી નેતાઓ રહ્યા ઉપસ્થિત

મોરબી : વિવિધ સમાજનું સમર્થન મેળવી રહેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને વિજયી બનાવવાના સંકલ્પ સાથે મોરબીમાં બ્રહ્મ સમાજનું વિશાળ “આશીર્વાદ સંમેલન” યોજાયું હતું. જેમાં ભાજપના અગ્રણી નેતાઓ, મહિલા પાંખના નેતાઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી શહેરના નવલખી રોડ સ્થિત ‘પરશુરામ ધામ’ મંદિર ખાતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં શનિવારે “આશીર્વાદ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાવનગરથી વિભાવરીબેન દવે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય તેમજ રૂપાબેન શીલુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે “આશીર્વાદ સંમેલન”માં હાજર રહેલા બ્રહ્મ સમાજના તમામ ભાઈઓ-બહેનોને સંબોધતાં વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓનું અમલીકરણ ચાલી રહ્યું છે. દરેક સમાજના વિકાસના કામો કરવામાં રૂપાણી સરકાર તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આગામી સમયમાં પણ વધુને વધુ વિકાસના કામો થાય તે માટે મોરબી-માળીયા બેઠક પરથી ભાજપના કમળને ખીલવવાનું છે.

આ આશીર્વાદ સંમેલનમાં રાષ્ટ્રીય વિચારધારાને વરેલા બ્રાહ્મણ સમાજના મતદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીની ધારાસભાની બેઠક ઉપરથી ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને વિજયી ભવોના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. બ્રાહ્મણ સંમેલનમાં શ્રીમતી વિભાવરીબેન દવે (મંત્રી નારી કલ્યાણ સમાજ સુરક્ષા. ગુજરાત રાજ્ય), સીએમના પત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણી, શ્રીમતી બીનાબેન આચાર્ય (મેયર રાજકોટ મનપા), શ્રીમતી રૂપાબેન શીલુ ( ફાયર તથા આંગણવાડી સમિતિના ચેરમેન રાજકોટ મનપા) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

65 મોરબી-માળીયા બીધનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાએ બ્રહ્મ સમાજના લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મારુ ઉમેદવારી પત્રક ભરતા પહેલા ભગવાન પરશુરામ દાદાના આશીર્વાદ લીધા છે એ દરમ્યાન યોજાયેલા યજ્ઞમાં રાગ, દ્વેષ સહિતની આહુતિઓ આપ્યા બાદ મેં મારી ઉમેદવારી ચૂંટણીમાં નોંધાવી છે. ત્યારે ચોક્કસપણે બ્રહ્મ સમાજ તરફથી મને આ ચૂંટણીમાં આશીર્વાદ મળશે તેવો મને વિશ્વાસ છે. આગામી દિવસોમાં આપણે સાથે મળીને મોરબીનો વિકાસ થાય તે માટેના કામ કરીશુ તેવી ખાત્રી મેરજાએ આપી હતી. આશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત બ્રહ્મ સમાજના લોકોએ પણ ભાજપ મજબૂત બને તે માટે મતદાન કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ ધામના ભુપતભાઇ પંડ્યા, નરેન્દ્રભાઈ જોશી, પ્રશાંત મહેતા, બીપીનભાઈ વ્યાસ, મુકેશભાઈ રાજગોર, ચિંતનભાઈ ભટ્ટ, શ્રીમતી હંસાબેન ઠાકર, અરુણાબેન પંડ્યા તથા બ્રાહ્મણ સમાજના અન્ય હોદેદારો, આગેવાનો સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચારના જાહેર પડઘમ શાંત પડશે ત્યાર બાદ ઉમેદવાર અને માત્ર સ્થાનીય કાર્યકરો જ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. આથી મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં નોંધાયા ન હોય એવા તમામ નાના મોટા પ્રચારકો, કાર્યકર્તાઓ, નેતાઓએ આ વિસ્તાર છોડી જવો પડશે એ માટે રવિવારે સાંજ સુધી બહારથી આવેલા સ્ટાર પ્રચારકો માટે ચૂંટણી પ્રવાસના ગણતરીના કલાકો જ બાકી બચ્યા છે.

- text