મોરબી : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન પુરુષોત્તમનું ઠેર-ઠેર પૂજન-અર્ચન

- text


મોરબી : ગુજરાતી પંચાંગ અનુસાર દર ત્રીજા વર્ષે એક મહિનો વધારે આવે છે. એટલે આ મહિનાને અધિક મહિના તરીકે ઓળખાય છે. પ્રાચીન ગ્રંથોમાં અધિક મહિનામાં ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરવાનો માહાત્મ્ય વર્ણવાયું છે. આથી, મોરબીની મહિલાઓ પણ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી રહી છે.

કહેવાય છે કે પુરુષોત્તમ મહિનામાં ભગવાનની ભક્તિ, સત્કાર્યો કે અન્યને અપાતા દાનનું ફળ કે પુણ્ય અન્ય માસ દરમિયાન મળતા પુણ્ય કરતા વધુ મળે છે. આથી, સ્વાભાવિક રીતે જ લોકો અધિક માસ દરમિયાન વધારે પ્રમાણમાં સત્કાર્યો કે ધાર્મિક કાર્યો કરતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં વર્ષભર આવતા ઉત્સવોને અધિક મહિના દરમિયાન ઉજવવામાં આવે છે. હિંડોળા, અન્નકૂટ, ફૂલડોલ (હોળી), રુક્મિણી વિવાહ સહિતના અનેક મનોરથો કે જે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ સંબંધિત હોય, તેની ઝાંખીનો લાભ વૈષ્ણવો મેળવી ધન્યતા અનુભવે છે.

આ ઉપરાંત, અધિક માસ દરમિયાન અનેક લોકો ભગવાન પુરુષોત્તમનું પૂજન-અર્ચન કરતા હોય છે. ખાસ કરીને મહિલાઓ ધર્મરાજાનું વ્રત કરતી હોય છે. તેમજ મંડળ પુરવા જેવા ધાર્મિક કાર્યો કરતી હોય છે. હવે અધિક માસ પૂર્ણ થવાને માત્ર 4-5 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે મોરબી શહેરની મહિલાઓ દરરોજ ભગવાન પુરુષોત્તમની કથા વાંચી પૂજા કરીને ભગવાનની આરાધના કરે છે. કોરોના મહામારીના લીધે હાલમાં વધુ લોકોને એકત્ર થવા પર સંક્રમણનો ખતરો હોવાથી પરિવારની મહિલાઓ કે સોસાયટીની મહિલાઓ માર્યાદિત સંખ્યામાં ભેગા મળીને વ્રત-એકટાણાં કરીને અધિક માસને ઉજવી રહી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text