મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ગત અઠવાડિયાથી વિવિધ જણસીની આવક શરૂ

- text


અતિવૃષ્ટિમાં પાકને નુકશાની વચ્ચે કપાસ અને મગફળીની આવક શરૂ

મોરબી : મોરબીમાં ચાલુ વર્ષે મેઘપ્રકોપને કારણે ખેતીમાં મોટી તારાજી થઈ છે. અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી, તલ સહિતના પાકોમાં મોટી નુકશાની થઈ છે. મોટાભાગના પાકો ભારે વરસાદથી બળી જતા પાક ઉત્પાદનમાં મોટો ફટકો પડયો છે. ત્યારે હવે ખેતરોમાં વિવિધ પાકના ઉતારાની સિઝન શરૂ થઈ છે. ખેડૂતો પોતાના ખેતરમાંથી પાકો ઉતારીને વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. આથી, મોરબીના માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક શરૂ થઈ છે.

મોરબીમાં ભારે વરસાદથી પાકોને થયેલી મોટી નુકશાની વચ્ચે ખેતરોમાં જે સારો પાક બચ્યો હોય તેને ઉતારીને ખેડૂતો વેચવા માટે માર્કેટીંગ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. આથી, મોરબીના માર્કેટીંગ યાર્ડમાં હવે વિવિધ જણસીઓની આવક શરૂ થઈ છે. જો કે છેલ્લા ઘણા દિવસથી વિવિધ જણસીઓની આવક થઈ રહી છે.

જિલ્લાનો મુખ્ય પાક કપાસ છે એટલે કપાસ સહિતના પાકોની આવક થઈ રહી છે. જ્યારે મગફળીના ઉતારા હવે થઈ રહ્યા હોવાથી છેલ્લા 4-5 દિવસથી મોરબીના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. છેલ્લા આઠ દિવસમાં મોરબીના માર્કેટીંગ યાર્ડમાં 384 કિવીંટલ કપાસની આવક થઈ છે. જ્યારે સૌથી વધુ 1101 કિવીંટલ ઘઉંની આવક થઈ છે. તલ 152 કિવીંટલ, મગફળી 198 કિવીંટલની આવક થઈ છે. જો કે તલની છેલ્લા ઘણા દિવસોથી આવક ચાલુ છે. મગફળીનો પ્રતિ મણ ભાવ સૌથી ઓછો રૂ. 500 અને સૌથી વધુ રૂ. 861 રહ્યો છે. જ્યારે તલના રૂ. 1200 થી માડીને રૂ. 1630 સુધી, કપાસના રૂ.600 થી માંડીને રૂ.1351 સુધીનો ભાવ રહ્યો છે. જો કે આજે કપાસની સૌથી વધુ આવક થઈ હતી.જેમાં 136 કિવીંટલ કપાસની આવક થઈ છે. આવી રીતે આજે મગફળીનો 130 કિવીંટલ આવક થઈ છે.

આ ઉપરાંત, માર્કેટીંગ યાર્ડમાં જીરું, ચણા, બાજરો, જુવાર, રાયડો, સુવાદાણા, એરંડો સહિતની જણસીઓની આવક ધીમી ગતિએ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિની આફત નડી હતી અને ચાલુ વર્ષે પણ વધુ વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને મોટાભાગનો પાકો નિષ્ફળ ગયા છે. તેથી, આ વર્ષે પણ ખેત ઉત્પાદન ઘટ્યું છે. આથી, માર્કેટીંગ યાર્ડમાં જણસીઓની આવકમાં મોટો ઘટાડો થાય તેવી શકયતાઓ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text