જિંદગી ના મિલેગી દોબારા.. એટલે જ જિંદગીની અનેરી તકને ઉત્સવની જેમ ઉજવવા જેવી છે!

- text


(લવ યુ, જિંદગી : માર્ગી મહેતા)

જલસા અને જવાબદારી સાથે જીવાતા સમયનું નામ એટલે જિંદગી.

જે ખુદના અસ્તિત્વને માણી શકે તે જ ખરી જિંદગી જીવી જાણે!


જિંદગી એટલે શું? જીવવું એટલે શું? જન્મથી લઇ મૃત્યુ સુધીની સફર માત્ર? ના. જિંદગી એટલે આ સફર દરમિયાન કરેલી અનુભૂતિ. જીવનની એક-એક પળનો અહેસાસ. ભલે એ અહેસાસ સુખનો હોય કે દુ:ખનો હોય કે મિશ્ર લાગણીનો હોય. જીવનમાં આવતાં ઉતાર-ચડાવને હસતા-હસતા સ્વીકારી સપનાઓને હકીકતમાં ફેરવવા કરાતો સંઘર્ષ એટલે જિંદગી.

જીવતા જો આવડે તો જિંદગી એક ફૂલ છે,
પુરુષાર્થ જો તેમાં ભળે તો સ્વર્ગ કેરું મૂળ છે.
– અજ્ઞાત

જિંદગી તો ધબકતા શ્વાસોમાં સુગંધ ભરી દેતી ક્ષણો અને શૂન્યતામાં ગરકાવ કરી દેતી પળોનો સરવાળો છે. જીવનમાં માત્ર સુખ જ સુખ હોય ત્યારે માણસ સુખથી કંટાળી જતો હોય છે. સુખને તો જ માણી શકાય જો દુ:ખને અનુભવ્યુ હોય. સુખની મજા તો જ બમણી થાય, જો તેને અન્ય સાથે વહેંચવામાં આવે. બીજી બાજુ દુ:ખના રોદણાં રડવાથી કંઈ લાભ મળતો નથી. ઉલ્ટાનું દર્દ બમણું થઈ જતા જીવન મૃત્યુ સમાન બની જાય છે. હા, ક્યારેક એમ જરૂર થાય કે કાશ! જીવનનો થોડો ભાગ, થોડો સમય, થોડી ક્ષણો એવી હોય કે જેમાં મરજી મુજબનું જીવી શકીએ. આમ તો જીવનમાં અણધાર્યાની સાથે ધાર્યું પણ ઘટતું હોય છે. છતાં કોઈ ખાસ ઘટના, ખાસ ક્ષણો, આપણે ઇચ્છીએ ત્યાં, ત્યારે અને તેવી રીતે બને તો કેવી મજા પડે!

ક્યાં મળે મરજી મુજબ સૌને અભિનયની તકો?
કોઈ છે, જે આપણી કિસ્મતને લખતો હોય છે.
– દક્ષેશ ‘ચાતક’

જો કે કુદરતે આવી કોઈ તક આપી નથી. તેથી, જિંદગીને જ અનેરી તક માનવી જોઈએ. ઈશ્વર પાસેથી મળેલી જિંદગી નામની અનેરી તકને ઉત્સવની જેમ ઉજવવા જેવી છે. કારણ કે, ક્યારેક કુદરત માંગીએ તેનાં કરતા વધુ અને તેનાથી સારુ આપી દેતી હોય છે. તો પણ માનવીનું મન પોતે જે ઝંખે તે પામવા જ મથતુ હોય છે. ચાહે તે વસ્તુ હોય કે વ્યક્તિ. ત્યારે જીવનનૈયા હાલક-ડોલક થાય છે. જીવનમાં કંઇક ખૂટે છે. કંઇક અટવાય છે. આવી પરીસ્થિતિમા જે ટકી જાય, ખુદના અસ્તિત્વને માણી શકે તે જ ખરી જિંદગી જીવી જાણે!

- text

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને!
– મનોજ ખંડેરિયા

જ્યારે પોતાના માટે કંઇ ન સૂઝે, જીવન સાવ નકામું લાગે ત્યારે અવળા રસ્તે વળવાને બદલે પોતાનાઓ માટે જીવવું જોઈએ. પરંતુ ક્યારેક પરિસ્થિતિ આનાથી સાવ ઊંધી હોય છે. સગા-વ્હાલાઓ પ્રત્યેની લાગણીને વશ થઈ પોતાની ઈચ્છાઓને પડતી મૂકી તેમની ઈચ્છાઓનો બોજ ઉઠાવતા ફરીએ છીએ અથવા સમાજમાં કેવું લાગશે? સમાજ શું કહેશે? તેવું વિચારીને અથવા જન્મવું, ઉછરવું, રમવું, ભણવું, કમાવું, લગ્ન કરવા, નિવૃત્તિ જેવી યંત્રવત જિંદગી (બીજા શબ્દોમાં કહીએ તો ઘીસિપીટી લાઈફ) જીવતાં હોઇએ છીએ અને જોયેલા સપનાને ભૂલી જતા હોઇએ છીએ. ખરેખર, તો એક હદ પછી આ બધુ છોડી પોતાના માટે પણ જીવવું જોઈએ. કારણ કે, જિંદગી ના મિલેગી દોબારા! ને પોતાનાઓને સાથે રાખીને મેળવેલી સફળતાથી સ્નેહીજનો પણ ખુશ જ થશે!

ગમતા લોકોની હાજરીમાં, મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું, તો જિંદગી તને થેન્ક યુ.
જેને પ્રેમ કરું છું એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું, તો જિંદગી તને થેન્ક યુ.
– ડો. નિમિત્ત ઓઝા

ટૂંકમાં, જલસા અને જવાબદારી સાથે જીવાતા સમયનું નામ એટલે જિંદગી. જીવનમાં ગમે તેટલો પ્રયત્ન કર્યા પછી પણ કંઇ તો અધૂરું રહી જ જવાનું છે. છતાં પણ અંત સમયે કોઈ અફસોસ, અસંતોષ ના રહે તે માટે જીવનને ભરપૂર માણી લેવાનું, જીવી લેવાનું. ફિર ક્યાં પત્તા કલ હો ના હો! આ માટે ફિલ્મ ‘ડિયર જીંદગી’ના ગીતના શબ્દો યાદ રાખવા જેવા છે.

જો દિલ સે લગે, ઉસે કેહ દો હાય, હાય, હાય,
જો દિલ ના લગે, ઉસે કેહ દો બાય, બાય, બાય.

~ માર્ગી મહેતા

- text