મોરબીની સિવિલ હોસ્પિટલના દર્દીઓ ભગવાન ભરોસે : આજે સવારે દર્દીઓની કતાર પણ ડોક્ટર ‘ઘેર’ હાજર!

- text


સરકારી હોસ્પિટલમાં ખાનગી કોવિડ હોસ્પિટલની જાહેરાતના લાગેલા બેનરો અંગે આર.એમ.ઓ. અજાણ!!

મોરબી : મોરબીને મેડિકલ કોલેજ માટે જમીનની ફાળવણી થઈ હોવાની જાહેરાતથી રાહત પામેલા મોરબીવાસીઓને હાલ કાર્યરત હોસ્પિટલમાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો બનાવ આજે સામે આવ્યો છે. વહેલી સવારથી જ દર્દીઓની લાઈનો લાગી ગયા બાદ જાણમાં આવ્યું કે ફરજ પરના ડોક્ટર હજુ આવ્યા જ નથી. આથી આર.એમ.ઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવાનો જો કે બાદમાં ખુલાસો કર્યો હતો.

મોરબી સ્થિત સરકારી હોસ્પિટલમાં 205 બેડની સુવિધા છે, જો કે આ બેડ (ખાટલા) પર સારવાર આપવા માટે ડોક્ટરોની પૂરતી વ્યવસ્થા ન હોવાના અખબારી અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થતા હોય છે. આજે શનિવારે સવારે ઉઘડતી કેસ બારીએ દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી પરંતુ ફરજ પરના ડોક્ટર ગેરહાજર હોવાને લઈને દર્દીઓ પરેશાન થઈ રહ્યા હતા. આ બાબતે આર.એમ.ઓ. ડૉ. સરડવા સાથે મોરબી અપડેટની વાતચીત પરથી જાણવા મળ્યું હતું કે, વરસાદને કારણે બહારગામથી આવતા નિયમિત ડૉક્ટર આજે આવી શક્યા ન હોય મારા સહીત અન્ય એક ડોક્ટર દર્દીઓની સારવાર માટે ઉપલબદ્ધ છીએ. ડૉ. સરડવાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે શનિવારે આઉટડોર દર્દીઓની સંખ્યા ઓછી હોય છે આમ છતાં વૈકલ્પિક ડોક્ટરની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

હાલ ચાલી રહેલી કોવીડ-19ની મહામારીને ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલના રેગ્યુલર ઓપીડી વિભાગને કોવીડ સેન્ટરમાં તબ્દીલ કરવામાં આવ્યું હોય આંખની ઓપીડીમાં જનરલ ઓપીડી ખસેડવામાં આવી છે. આ ઓપીડી વિભાગમાં ખાનગી કોવીડ હોસ્પિટલની જાહેરાતના બોર્ડ મુકવામાં આવ્યા હોવા બાબતે ડૉ. સરડવાને પૂછતાં તેઓએ આવી કોઈ બાબતની જાણકારી હોવા અંગે ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે જો ખાનગી હોસ્પિટલની જાહેરાતના પોસ્ટર/બેનર સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા હશે તો એ ઉતરાવી લેવામાં આવશે. લોકોના મનમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો છે કે હોસ્પિટલની ઓપીડી વિભાગની દીવાલો પર જાહેરમાં ખાનગી હોસ્પિટલની જાહેરાતના બૅનરોની પરવાનગી કોણે આપી અને બેનરો લાગ્યા બાદ પણ આર.એમ.ઓ એ બાબતથી અજાણ કઈ રીતે હોઈ શકે?

- text

- text