અનલોક દરમિયાન જુના ધનાળામાં ગ્રામજનોએ સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હોય તેવો માહોલ

- text


નાના એવા ગામમાં પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે : કોરોના કારણે વૃધ્ધનું મોત નીપજ્યું હતું

હળવદ : હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 12 પર પહોંચ્યો છે. ત્યારે 5 કેસ તો હળવદ તાલુકાના જુના ધનાળા ગામમાં જ નોંધાયા હતા. જેમાં કોરોનાના કારણે એક વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેના કારણે જુના ધનાળા ગામના લોકોમાં રીતસરના ફફડાટ સાથે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં હાલ મોટાભાગના લોકો પોતાની વાડી વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા છે. જેથી, અનલોકમાં પણ જુના ધનાળાના ગ્રામજનોએ સ્વયંભૂ લોકડાઉન પાડ્યું છે. ગામની બજારો તેમજ દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી રહી છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સાંજના સમયે ખોલવામાં આવતી હોવાનું ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું.

કોરોનાનો કહેર શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે. જેને કારણે હળવદ તાલુકાના જુના ધનાળા ગામે કોરોનાના પાંચ કેસ પોઝિટિવ નોંધાયા હતા. તેમજ ગઈકાલે કોરોનાને લઈ એક વૃધ્ધનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે નાના એવા ગામમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ નોંધાતા જુના ધનાળા ગામના લોકોમાં રીતસરનો ડર જોવા મળી રહ્યો છે.

- text

જુના ધનાળા ગામના જ અને હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે અમારા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા ગામલોકો ફફડી ઉઠયા છે અને મોટાભાગના લોકો હાલ અત્યારે તેઓ ની વાડી વિસ્તારમાં રહેવા માટે ચાલ્યા ગયા છે. ગામ લોકો સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે. ગામમાં દુકાનો તેમજ દૂધની ડેરીઓ પણ બંધ કરવામાં આવી છે. સાથે જ વગર કામે લોકો બહાર પણ નીકળી રહ્યા નથી. ગામની બે-ત્રણ બજારો મૂકી એક આવશ્યક ચીજવસ્તુઓની દુકાન સાંજના સમયે બે કલાક માટે ખોલવામાં આવે છે. જેથી લોકો આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી શકે.

અત્યાર સુધી ગામમાં ત્રણ વખત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. સાથે જ આયુર્વેદિક દવાનું તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ શંકાસ્પદ જણાય તેવા વ્યક્તિઓના સેમ્પલો પણ લેવામાં આવી રહ્યા છે. સાથે જ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આસિસ્ટન્ટ કલેકટર સહિતના અધિકારીઓ ગામની વિઝીટ પણ કરી રહ્યા છે.

- text