ખેડુત નેતા પર પોલીસ અત્યાચાર મામલે મોરબી તથા માળિયાના આહીર એકતા મંચ દ્વારા આવેદન

- text


મોરબી : રાજકોટમાં ખેડુત નેતા પાલભાઈ આંબલીયા પર પોલિસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર બાબતે મોરબી શહેર આહીર એકતા મંચના પ્રમુખ લાલાભાઈ જીલરીયા તેમજ મનવીરભાઈ ખાંડેખા, ચેતનભાઈ ડાવેરા સહિતની ટીમ દ્વારા મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તથા માળીયાની શાખા દ્વારા પણ આ અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજકોટ ખાતે 20 મેના રોજ કલેકટરને ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા પી.એમ. ફંડમાં કપાસ આપવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ એમના પર જુદી-જુદી કલમો પણ લગાડવામાં આવી હતી. પણ એવો પાલભાઈએ શું ગુનો કર્યો હતો કે એનું અપહરણ કરી પોલીસ અધિકારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો? આ બનાવ લોકશાહીની હત્યા સમાન છે. માટે આ કક્ષાનું કૃત્ય કરનાર અધિકારીઓને તરત સસ્પેન્ડ કરવામાં આવે અને પાલભાઈ આંબલીયાને ન્યાય આપવામાં આવે. નહિતર આહીર એકતા મંચ ગુજરાત દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને એની તમામ જવાબદારી સરકારની રહેશે. તેવી ચીમકી આપવામાં આવી હતી.

- text

વધુમાં, આવેદનપત્રમાં જણાવાયું હતું કે પાલભાઈ આંબલીયા અને કોંગ્રેસ દ્વારા વારંવાર સરકાર પર ખેડૂતોના વિવિધ મુદ્દે આક્ષેપો કરવામાં આવે છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રીની ફરજ છે કે ખેડુતોના પ્રશ્નને સાંભળવા. ખેડૂતોના પ્રશ્નોને લઈને વારંવાર આવા બનાવોથી ગુજરાતની છબી ઝાંખી થાય છે. જનતાને સાચા-ખોટાની ખબર પડે. તે માટે સરકાર ખેડુતોના મુદ્દે પાલભાઈ આંબલીયા સાથે રાજ્યના કૃષિમંત્રી જાહેર ડિબેટ કરે. તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text