કાલે રંગોત્સવ : મોરબીમાં હોળી અને ધુળેટી પર્વમાં ચાઈનાના માલનો બહિષ્કાર

- text


ભારતીય બનાવટની 150 પ્રકારની પિચકારીઓની વેરાયટી : છેલ્લી ઘડી સુધી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો : આજે રાત્રે ઠેર-ઠેર હોલિકાનું દહન થશે

મોરબી : ઉત્સવપ્રિય અને રંગીલા મોરબીવાસીઓમાં રંગોત્સવને લઈને અનેરો ઉમંગ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આ વખતે ખાસ હોળી-ધુળેટી પર્વમાં ચાઈનાના માલને વેપારીઓએ સ્વયંભૂ જાકારો આપ્યો હોય, તેમ બજારોમાં મોટાભાગે સ્વેદેશી પિચકારી સહિત રંગોત્સવની સાધન સામગ્રી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જેમાં ભારતીય બનાવટની 150 પ્રકારની અવનવી પિચકારીઓની વેરાઇટીઓ બજારમાં ઉપલબ્ધ છે અને બજારમાં ધૂમ ખરીદીનો માહોલ સર્જાયો છે. ત્યારે આ વખતે હોળી ધુળેટીના પર્વમાં શહેરીજનો ભારતીય બનાવટની અવનવી પિચકારીઓથી રંગોત્સવની ઉજવણી કરશે. જો કે આજે રાત્રે ઠેર-ઠેર હોલિકાનું દહન કરવામાં આવશે અને કાલે ધમાલ-મસ્તી સાથે રંગોત્સવની ઉજવણી કરાશે.

આજે સોમવારે હોળીનું પર્વ ઉલ્લાસભેર ઉજવાય રહ્યું છે અને આજે રાત્રે ઠેર-ઠેર હોલિકાનું દહન કરાશે. જ્યારે આવતીકાલે મંગળવારે ધુળેટીનું પર્વ છે. ત્યારે ધુળેટી પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી હોવાથી મોરબીવાસીઓ આ રંગોત્સવ પર્વની અનેરી ઉજવણી કરવાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. હોળી ધુળેટી પર્વને લઈને બજારોમાં ધૂમ ખરીદી થઈ રહી છે. આ વખતે રંગોત્સવ પર્વમાં ખાસ કરીને બજારોમાં સ્વદેશી પિચકારીઓની ભારે ડિમાન્ડ છે. જેમાં વેપારીઓ આ વખતે ચાઈનાનો માલ વેંચતા જ નથી. મોટાભાગના વેપારીઓ ભારતીય બનાવટની વિવિધ પ્રકારની અવનવી પિચકારીઓ હોલસેલમાં ખરીદીને વેચી રહ્યા છે. ગન, ટાંકી, ગણેશ, થ્રિડી લાઈટ, હોરોસો ટાંકી, બાલવી, ફોર ઇન વન ગન, ટેન્ક, ફૂટબોલ ટેન્ક સહિતની અનેક પ્રકારની પિચકારીઓ બજારમાં જોવા મળે છે. આ ભારતીય બનાવટની પિચકારીઓ રૂ. 10 થી માંડીને રૂ.1350 સુધીના ભાવે મળે છે.

અંદાજીત 500 જેટલા વેપારીઓ પિચકારીઓનો વ્યવસાય કરે છે. અને રૂ. 1 કરોડનું આ વેપારનું ટર્નઓવર છે. આ વખતે હર્બલ કલર જ વેચવાનો વેપરીઓએ આગ્રહ રાખ્યો છે. તેથી, મટોડીઓથી છુટકારો મળશે. આ ઉપરાંત, ખજૂર, ધાણી, દાળિયા, હારડા, કોપરું સહિતની વસ્તુઓની બજારમાં ધૂમ ખરીદી થાય છે.

- text

ખજૂરના ભાવો વધ્યા

હોળીમાં ગયા વર્ષ કરતા આ વખતે ખજૂરના ભાવો વધ્યા છે. જેમાં એમરીકા-ઈરાનમાં લડાઈ થઈ એના કારણે ખજૂર ઓછી આવી છે. જેથી, ભાવો વધ્યા છે. જેમાં ગયા વર્ષે ખજૂરના એક કિલોના ભાવ રૂ. 80 હતા. તેમાં આ વખતે વધીને ખજૂરના કિલોના ભાવ રૂ. 140 થઈ ગયા છે. જેની ખરીદીમાં થોડી અસર વર્તાય છે.

- text