મોરબીના લાયન્સનગરમાં તંત્રના પાપે ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રસ્ત

- text


સ્થાનિક સામાજિક કાર્યકરે પાલિકા તંત્રને રજુઆત કરી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી

મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર લાયન્સનગરમાં લાંબા સમયથી તંત્રની ધોર બેદરકારીના કારણે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ત્યારે હમણાંથી આ વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે તેથી ભૂગર્ભ ગટરની બેસુમાર ગંદકી ફેલાતા સ્થાનિક લોકોના આરોગ્ય જોખમ સર્જાયું છે.આથી સામાજિક કાર્યકરે પાલિકા તંત્રને રજુઆત કરીને ગટરની સમસ્યા ઉકેલવાની માંગ કરી છે.

- text

મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે લાયન્સનગરમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. લાયન્સનગરમાં ભૂગર્ભ ગટર, રોડ, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હમણાંથી આ વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા વકરી રહી છે અને ભૂગર્ભ ગટર ઉભરાતા બેસુમાર ગંદકી ફેલાય રહી છે. જેમાં આ વિસ્તારના મેઈન રોડ ખોદીને પાઇપ લાઈન નાંખતા આ દુર્દશા થઈ ગઈ છે. ગટર ઉભરાતા શેરીઓમાં ગંદુ પાણી નદીના વહેણની માફક વહે છે. જેના કારણે મેઈન રોડ ઉપર અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે અને ગટરની ગંદકીના કારણે સ્થાનિકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું હોય વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.

- text