મોરબી જિલ્લામાં આડેધડ થતા બાંધકામ ઉપર લાગશે રોક : જિ.પં.ની સામાન્ય સભામાં લેવાયો નિર્ણય

- text


સી.જી.ડી.સી.આર.-2017ની અમલવારી માટે ગ્રામ પંચાયતો પાસેથી સુચનો મંગવાયા : સૂચનો મળ્યા બાદ રાજ્યસરકારની મંજૂરી લેવાશે
સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતનું રૂ.1.37 કરોડની પુરાત સાથેનું રૂ 281 કરોડનું બજેટ મંજુર : શાળાઓની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ વિતરણ કરાશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આગામી 2020-21 બજેટ માટે સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં ગામડાઓમાં જે આડેધડ બાંધકામને મંજૂરી આપવામાં આવે છે તેના ઉપર લગામ લગાવવા તથા બાંધકામના નિયમોનું કડક રીતે પાલન કરવા સી.જી.ડી.સી.આર.-2017ની અમલવારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે વિધાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવાનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. આ સાથે જિલ્લા પંચાયતનું રૂ. 1.37 કરોડની પુરાત સાથેનું રૂ. 281 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના બજેટ માટે આજે સામાન્ય સભા મળી હતી. જેમાં આગામી વર્ષ 2020-21નું રૂ. 281 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 1.37 કરોડની બંધ સિલક અંદાજવામાં આવી છે. આ રીતે રૂ. 1.37 કરોડનું પૂરાંત સાથેનું રૂ. 281 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં સામાન્ય વિહીવટ ક્ષેત્રે રૂ. 147.45 લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. 650.90 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. 75.33 લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ. 16.2 લાખ, ખેતીવાડી અને પશુપાલન માટે રૂ. 13.86 લાખ, સમાજ કલ્યાણ માટે રૂ. 50 લાખ, સિંચાઈ ક્ષેત્રે રૂ. 41.75 લાખ અને બાંધકામ ક્ષેત્રે રૂ. 155.12 લાખ તેમજ પ્રક્રિર્ણ યોજના માટે રૂ. 39.11 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પ્રમુખ પદેથી શાળાઓમાં ધો. 6 થી ધો.12 સુધીનો અભ્યાસ કરતી આશરે 39195 વિધાર્થીનીઓના આરોગ્યની સુખાકારી માટે સેનેટરી નેપકીન વિતરણ કરવાનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. જ્યારે ગ્રામ પંચાયતો દ્વારા આડેધડ બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવે છે. જેના કારણે ઇમરજન્સી સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવા સહિતના પ્રશ્નો ઉદ્દભવીત થાય છે. માટે ગ્રામ પંચાયતોમા પણ મહાપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સતામંડળની જેમ કડક નિયમો રહે તે માટે સી.જી.ડી.સી.આર.-2017ની અમલવારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ગ્રામપંચાયતો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. આ સૂચનો મળ્યા બાદ રાજ્ય સરકારમાંથી પણ મંજૂરી લેવામાં આવશે.

- text

વધુમાં, કૃષિ ઉત્પાદનમાં સિંચાઇના કોઈ કામો થતા નથી અને ઓગસ્ટમાં જે નુકશાન થયું હતું. એના કોઈ કામ હજુ થયા નથી. એસ્ટીમેટ આપ્યા હોય અને વિગતવાર રજુઆત અને રોડ રસ્તાના કામો માટે માર્ગ અને મકાન વિભાગે યોગ્ય કામગીરી કરી ન હોવાનો સભ્યોએ બળાપો ઠાલવ્યો હતો. તેમજ મોરબી જિલ્લામાં બાળકો સામે બાળકીઓના જન્મદરની સંખ્યા વધી હોય આ બાબતે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત બાગાયતી પાકોની વીમામાં સમાવેશ કરવાની રજુઆત કરાઈ હતી. જ્યારે જીલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં કો-ઓપટ સભ્ય તરીકે ધીરુભાઈ કેશવજીભાઈની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ જિલ્લાના મેલેરિયા ગ્રસ્ત ગણાતા 13 ગામોમાં મચ્છરદાનીનું વિતરણ કરવાની રજુઆત કરાઈ છે. ગયા વર્ષના સ્વંભંડોળ કામોમાં 24માંથી 10 સભ્યોના સૂચનો આવ્યા છે. વર્ષ પૂરું થવા છતાં સ્વભંડોળ માટે સૂચનો મોકલ્યા નથી. ટીકર ગામના તલાટીની ગેરહાજરી માટે રજુઆત કરાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ કિશોર ચીખલીયા, ડીડીઓ એસ.એમ. ખટાણા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવીદ પીરજદા સહિતના હાજર રહ્યા હતા. જ્યારે 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા.

- text