મોરબીના પાડાપુલ અને મયુરપુલ ત્રણ દિવસથી અંધારામાં ગરકાવ

- text


ઉલ્ટી ગંગા : અમુક વિસ્તારોમાં રાત્રે લાઈટ બંધ તો અમુક વિસ્તારોમાં ધોળે દિવસે પણ અજવાળા!

મોરબી : મોરબી પાલિકાનો રોશની વિભાગ શહેરના અંધેરા ઉલેચવામાં એકંદરે નિષફળ નીવડ્યો હોવાનું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કારણ કે વારંવાર ઘણા બધા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ થવાથી રાત્રી અંધારપટ્ટ સર્જાઈ છે. ત્યારે મોરબીના પાડાપુલ અને મયુરપુલ ઉપર છેલ્લા ત્રણ દિવસથી રાત્રીએ તંત્રના પાપે અંધારું સર્જાયું છે. જો કે મોરબી પાલિકાની નીતિ ઉલ્ટી ગંગા જેવી હોય તેમ રાત્રે ઘણા વિસ્તારમાં અંધારપટ્ટ હોય છે પણ અમુક વિસ્તારમાં ધોળા દિવસે જરૂર ન હોવા છતાં સ્ટ્રીટ લાઈટના અજવાળા પથરાતા રહે છે. ત્યારે કોના બાપની દિવાળી એ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે.

મોરબી જેવા આપોઆપ રીતે વિકસિત થતા શહેરને વિકાસની ઉંચી ઉડાન ભરવામાં ઉમદા ફરજ નિષ્ઠા નિભાવના બદલે સતામાં જ રચ્યા પચ્યા રહેતા પાલિકાના સત્તાધીશોના કારણે શહેરની બદસુરત થઈ ગઈ છે. ખાસ કરીને સ્ટ્રીટ લાઈટ જેવી મહત્વની પાયારૂપ સુવિધા આપવામાં પાલિકાનો રોશની વિભાગ ખાડે ગયો હોય એમ લાગી રહ્યું છે. કારણ કે શહેરના ઘણા ખરા વિસ્તારમાં કાયમી સ્ટ્રીટ લાઈટ ચાલુ જ રહેતી નથી અને કદાચ ટેક્નિકલ કે સમય મર્યાદા પુરી થવાથી લાઈટો બંધ થઈ હોય તો એને બદલવામાં કે મરામત કરવામાં દિવસો શુ મહિનાઓ સુધી કાળજી લેવામાં આવતી નથી. ત્યારે શું પાલિકા પાસે કામગીરી કરવા માટે સાધન સામગ્રી નથી? કે આવડત ઓછી છે? તેવો પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે. પણ એક વાત સો ટકા સાચી છે કે તંત્રને ફરજ નિષ્ઠા નિભાવવામાં બેદરકારી દાખવવી એ કોઠે પડી ગઈ છે. જેથી, સ્ટ્રીટ લાઈટનો ગંભીર પ્રશ્ન વારંવાર સળગતો રહે છે.

- text

મોરબીની મધ્યે આવેલા પાડા પુલ અને તેની બાજુના મયુર પુલ ઉપર 24 કલાક વાહનોનો પુષ્કળ પ્રમાણમાં ઘસારો રહે છે. ત્યારે રાત્રી દરમિયાન અહીં સ્ટ્રીટ લાઈટ બંધ રહેવી કોઈ કાળે પોસાય તેમ નથી.કારણ કે વાહનોના અંધારામાં પ્રકાશ ફેંકવાથી અંજાઈ જવાને કારણે અકસ્માતનો મોટો ખતરો રહે છે. પણ તંત્રને એની કશી પરવા જ હોય તેમ આ પુલ ઉપર અવારનવાર સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે. છેલ્લા ત્રણ દિવસથી આ બન્ને પુલ ઉપર સ્ટ્રીટ લાઈટ બંધ છે. તેથી, રાત્રી દરમિયાન આ બન્ને પુલ અંધારામાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે પાલિકાના રોશની વિભાગની અણઘડ કામગીરીનો બેનમૂન નમૂનો એ છે કે ઘણાં વિસ્તારમાં રાત્રીએ સ્ટ્રીટ લાઈટ બંધ હોય છે. પણ નવાઈની વાત એ છે કે દિવસે લાઈટ ચાલુ રાખવાનો કોઈ મતલબ ન હોવા છતાં અમુક વિસ્તારોમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટ સકગતી રહે છે.ત્યારે તંત્રને બેદરકાર નંબર વનનું લાગેલું લેબલ સુધવારવા અસરકારક પ્રયાસો થશે કે પછી ફિર વોહી રફતારની જેમ ચાલતું જ રહેશે એ મોટો પ્રશ્ન છે.

આ ઉપરાંત, મોરબીના વોર્ડ નંબર 5 માં રહેતા જાગૃત નાગરિક કેયુર ભાઈ પંડ્યાએ મોરબી નગરપાલિકા તંત્રનું વોર્ડ નંબર ૫નાં રહેવાસીઓ પ્રત્યે અણછાજતું વર્તન હોવાનો બળાપો ઠાલવ્યો છે. તેમના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના વૉર્ડ નંબર 5 માં આવેલ બુઢ્ઢા બાવા શેરીમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રાત્રીએ અંધારું સર્જાઈ છે આથી સ્થાનિક લોકોને રાત્રી દરમિયાન શેરીમાં અવર જવર કરવામાં ભારે પરેશાની વેઠવી પડે છે. જ્યારે સ્થાનિક રહેવાસીઓ છેલ્લા 3-4 મહિનાથી સ્ટ્રીટ લાઈટ બંધની નગરપાલિકા તંત્રને ફરિયાદ કરતા હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text